હાલ જો રાજ્યમાં કોઈ મુદ્દો વધુ ચર્ચાઈ રહ્યો છે તો તે છે રખડતા ઢોરનો ત્રાસ.. સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. અનેક લોકો આ રખડતા ઢોરનો ભોગ બને છે અને અડફેટમાં આવીને મોતને ભેટે છે. રોજબરોજ આવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે આ મામલે હવે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.
રખડતા ઢોર મામલે હાઇકોર્ટની લાલઆંખ
એક તરફ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહી છે ત્યાં બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહી છે. ત્યારે રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે.એટલુ જ નહીં થોડા દિવસ પહેલા તો ખુદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા. ત્યારે હવે આ બાબતે હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને રાજ્ય સરકારને આ મામલે યુદ્ધના ધોરણે પગલા લેવા ટકોર કરી છે. ટુંકમાં હાઇકોર્ટ દ્વારા સરકારને કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો છે કે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં સરકાર રખડતા ઢોર મામલે કોઇ ચોક્કસ નિર્ણય લે નહીં તો તેના ઉપર કોર્ટ આકરો હુકમ કરશે.