કચ્છઃ ગાંધીધામમાં 3.5 લાખ ચોરસ ફુટમાં પથરાયેલા કન્વેશન સેન્ટરનું 28મીએ PMના હસ્તે લોકાર્પણ, 39 કરોડના ખર્ચે થયું છે તૈયાર
કચ્છના મહત્વપુર્ણ પ્રોજેક્ટ્સમાંના એક ગાંધીધામ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28મી ઓગસ્ટે વર્ચ્યુઅલી ખુલ્લો મુકાશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા 39 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સેન્ટર જે સ્થળે બનેલું છે, તેજ સ્થળે 2017માં PM મોદીની સભા યોજાઈ હતી. આજે 5 વર્ષ બાદ આ સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે, જે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર બાદનું સૌથી મોટું સેન્ટર છે. હાલ લોકાપર્ણના કાર્યક્રમની તૈયારીઓનો ધમધમાટમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે.
1200 લોકો એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા
કુલ 3.5 લાખ ચોરસ ફુટ જગ્યામાં પથરાયેલા આ પરિસરમાં 15 હજાર ફુટનું ક્ષેત્રફળ વાતાનુકુલીન મોટો હોલ ધરાવે છે, જેમાં એક સાથે 1200 લોકો આરામથી બેસી શકે એટલી જગ્યા છે. તો બહાર 17 હજાર ચોરસ ફુટની લોન છે, જેમાં પણ વધુ 500 જેટલા લોકોનો સમાવેશ કરી શકાય છે.
આધુનિક સુવિધાઓથી સુસજ્જિત છે આ સેન્ટર
પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે આકર્ષક ડિઝાઈન અને આધુનિક સુવિધાઓથી સુસજ્જિત આ સેન્ટરમાં ઈન્ડોર અને આઉટદોર હરીયાળીનું ધ્યાન રખાયું છે, તો સ્વાગત કક્ષ, બે લીફ્ટ, બે વીઆઈપી રેસ્ટ લોન્જ,દસ અન્ય રેસ્ટ રુમ, ફુડ લોન્જ, કાફેટેરીયા પણ ઉપલબ્ધ છે. આ ભવન સિસમિક પ્રુફ સ્ટ્રકચરના માપદંડોના આધારે બનાવાયો છે. ગાંધીધામ આદિપુર મધ્યે રોટરી સર્કલ પાસે નિર્મીત અત્યાધુનિક આ ઢાંચો શહેરની છબીને વધુ નિખાર અને લોકોને વધુ લાભ આપશે.