વિધાનસભાની ચૂંટણીના પગલે સૌરાષ્ટ્રના રિટર્નિંગ ઓફિસર અને એઆરઓની તાલીમ શરૂ
આગામી ડિસેમ્બર મહિના આસપાસના સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજ્યમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. થોડા દિવસો પૂર્વે ગાંધીનગર ખાતે તમામ જિલ્લાના કલેકટર તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. અગાઉ રાજકોટના હેમુ ગઢવી હોલમાં ડે. કલેકટર તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની તાલીમ યોજાઇ ગઇ હતી. દરમિયાન રાજકોટમાં આજથી ચાર દિવસ સુધી બે તબક્કામાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મામલતદારોની તાલીમ શરુ થઇ છે.
જીલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર અરુણ મહેશ બાબુએ શાબ્દિક સ્વાગત કર્યું
એ.વી.પી.ટી.આઈ કોલેજ, રાજકોટ ખાતે આગામી વિધાનસભા ચૂંટણીના સુચારુ વ્યવસ્થાપન અર્થે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના રીટર્નીંગ ઓફિસર અને આસી. રીટર્નીંગ ઓફિસરો માટે 23 થી 26 ઓગસ્ટ સુધી ચાલનાર ચાર દિવસના સર્ટીફીકેટ ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યકમમાં જીલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર અરુણ મહેશ બાબુએ એક્સપર્ટસ તેમજ અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ ઓફિસરોને ઈલેકશન મેન્યુઅલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા સલાહ આપી હતી. આ કાર્યક્રમનો શુભારંભ કરાવવા બિહારના ડેપ્યુટી ચીફ ઈલેક્ટોરલ ઓફિસર અને ટ્રેનિંગ એક્સપર્ટ અશોક પ્રિયદર્શની, નાસિકના એડી. કલેકટર અને ટ્રેનિંગ એક્સપર્ટ અરુણ આનંદકર, અને ટ્રેનિંગ એક્સપર્ટ આર.કે. કર્મશીલ, એડી. ડી.ઈ.ઓ., રાજકોટ એસ.જે. ખાચર તેમજ એ.વી.પી.ટી.આઈ કોલેજના પ્રિન્સીપાલ ડો. એ. એસ. પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાના આશરે 40 જેટલા આર.ઓ. તેમજ 57 જેટલા એ.આર.ઓ. ઉપસ્થિત રહ્યા હતા.
ક્વોલિફિકેશન એન્ડ ડીસક્વોલિફિકેશન તથા નોમીનેશન વિષય પર ટ્રેનિંગ
આ ટ્રેનિંગ આર.ઓ. અને એ.આર.ઓ.ની બે અલગ અલગ બેચમાં શરૂ કરવામાં આવી છે. આજે ક્વોલિફિકેશન એન્ડ ડીસક્વોલિફિકેશન વિષય પર અરુણ આનંદકર દ્વારા રીટર્નીંગ ઓફીસરોના પ્રથમ સેશન તેમજ નોમીનેશન પર અશોક પ્રિયદર્શની દ્વારા આસી. રીટર્નીંગ ઓફીસરોના પ્રથમ સેશન દ્વારા ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેનીંગ પ્રોગ્રામ હેઠળ નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સના એક્સપર્ટસ દ્વારા જુદા જુદા 18 સેશનોમાં ચુંટણીની નોમીનેશનથી રિઝલ્ટ સુધીની તમામ પ્રક્રિયાઓની અને ધ્યાનમાં રાખવાની બાબતોની ઉંડાણપૂર્વકની જાણકારી અને ટ્રેનિંગ આપવામાં આવનાર છે.