રાજ્યના આઇકર વિભાગ દ્વારા પખવાડિયા પૂર્વ મોરબીની જાણીતી સિરામીક પેઢી ક્યુટોન ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોરબી સિવાય અમદાવાદ, રાજકોટ સહિત દેશના અનેક શહેરોમાં આવેલી કુલ 36 જગ્યાઓ ઉપર આવકવેરા ટીમ ત્રાટકી હતી. આ પેઢીની તપાસમાં અત્યારસુધીમાં રૂ.૧૦૦ કરોડની લોન સહિત રૂ.૩૦૦ કરોડની બેનામી સંપત્તિ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. હજુ આવકવેરા વિભાગ દ્વારા સર્ચની કામગીરી ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે હજુ પણ આ બેનામી સંપતિનો આંક વધે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.
ગત 9 ઓગષ્ટના દરોડા પાડવામાં આવ્યા હતા
મળતી માહિતી અનુસાર મોરબીમાં વાંકાનેર હાઈવે પર આવેલ કયુટોન સિરામીકના એકમો અને કેનાલ રોડ પર નિર્મલ સ્કુલ પાછળ આવેલ ક્રિસ્ટલ પેલેસના સાતમાં માળે રહેણાંક ફ્લેટમાં ગત તા.9 ઓગષ્ટ મંગળવારે વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાતા સિરામીક કારખાનેદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. આ કંપનીના માલિક- સંચાલક અંડર ઈન્વોઈસિંગ એટલે કે વેચાણ કિંમત કરતા ઓછી રકમનું બિલ બનાવીને ટેક્સચોરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.