કેવડા ત્રીજ શું છે અને ક્યારે છે તેની ઉજવણી ?


કેવડા ત્રીજ 30 ઓગસ્ટ 2022ના કેવડા (હરિતાલિકા) ત્રીજનો વ્રત કરી શકાશે. ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ (Kevda Trij) તરીકે ઓળખાય છે. આ એ દિવસ છે કે જ્યારે સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે. જ્યારે કુંવારિકાઓ પણ મનગમતો વરની પ્રાપ્તિ માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એવું પણ માનવામાં આવે છેકે, આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી. ત્યારે આવો, આજે આ વ્રતના મહિમા વિશેષ વાત કરીએ.
રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાંક રાજ્યોમાં કેવડા ત્રીજનો અવસર હરિતાલિકા ત્રીજ તરીકે પણ ઉજવાય છે. પણ, ગુજરાતમાં તે કેવડા ત્રીજ તરીકે જ પ્રસિદ્ધ છે. પ્રચલિત કથા અનુસાર કેવડાના પુષ્પએ બ્રહ્માજીના જૂઠ્ઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેનો પૂજામાં અસ્વીકાર કર્યો હતો. પરંતુ, વર્ષમાં માત્ર આ એક જ દિવસે, એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે.
કેવી રીતે કરશો વ્રત ?
- ઘણી સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે, પણ તે શક્ય ન હોય તો જળ, દૂધ અને ફળ ગ્રહણ કરી શકાય.
- શિવ-પાર્વતીની પ્રતિમાઓનું સ્મરણ અને પૂજા કરવી જોઇએ
- જળ, દૂધ કે ફળ ગ્રહણ કરતા પૂર્વે કેવડાનું પાન અચૂક લેવું જોઇએ. આ પાન શિવજીને અર્પણ કરેલું હોવું જોઈએ.
- શિવજીનું સ્મરણ કરતા રાત્રિ જાગરણ કરો.
- વ્રતના બીજા દિવસે શિવ-પાર્વતીની પૂજા બાદ વ્રતના પારણા કરો.
કેવડા ત્રીજની કથા
મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા દેવી પાર્વતીએ તેમના જીવન દરમિયાન અનેક આકરા તપ કર્યા છે. પણ એવું માનવામાં આવે છે કે આ તપમાંથી ભાદરવા સુદ ત્રીજના રોજ દેવીએ કરેલું એક વ્રત મહાદેવના હૃદયને સ્પર્શી ગયું અને તેમણે દેવીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો. આ વ્રત એટલે જ કેવડા ત્રીજ.
આ પણ વાંચો : કરવા ચોથનો ઉપવાસ ક્યારે છે? જાણો શુભ સમય અને પૂજાની વિધિ
પ્રચલિત કથા અનુસાર ભાદરવા સુદ ત્રીજના દિવસે દેવી પાર્વતી વનમાં તેમની સખીઓ સાથે વિહાર માટે ગયા હતા. ત્યાં દેવીએ માટીમાંથી એક શિવલિંગ બનાવી જંગલમાંથી બીલીપત્ર અને કેવડો લાવી મહાદેવને અર્પણ કર્યા. દેવીએ આ દિવસે કશું જ ખાધું ન હતું. આમ દેવીએ ભૂખ્યા પેટે મહાદેવની પૂજા કરી શિવજીને પ્રસન્ન કર્યા.
મહાદેવે વરદાન માંગવા કહ્યું તો દેવીએ તેમને પતિ તરીકે માંગી લીધાં. મહાદેવે તથાસ્તુના આશિષ આપ્યા અને સાથે જ કહ્યું કે,ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે. કહે છે કે દેવીના વ્રતના પ્રતાપે તેમના પિતા હિમવાન અને મેનાવતી પણ મહાદેવ સાથે તેમના વિવાહ કરાવવા એકમત થયા. આમ, આ વ્રતની આગવી જ મહત્તા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. જેમાં કોઈ પણ પ્રકારના તર્ક અને વિજ્ઞાન નથી માત્ર જાણકારીના આધારે જ અહીં રજુઆત કરવામાં આવી છે.)