નેશનલ

આબુરોડના લુનિયાપુરા વિસ્તારના મકાનો પાણીમાં ઘુસ્યા, 150 લોકોનું કરાયું સ્થળાંતર

Text To Speech

પાલનપુર: રાજસ્થાનના આબુરોડ માઉન્ટ આબુ વિસ્તારમાં રાત્રીથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને સમગ્ર શહેર પાણી..પાણી.. થઈ ગયું છે. સતત વરસી રહેલા વરસાદે અનેક વિસ્તાર અને માર્ગો જળબંબોળ કરી દીધા છે. ત્યારે આબુરોડ નજીક બનાસ નદીને અડીન આવેલા લુનિયાપુરા ડૂબ વિસ્તારમાં રહેતા લોકો હલાકીમાં મુકાયા હતા. ભારે વરસાદથી પાણી ભરાતા આ વિસ્તારના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી અહીં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવા માટે એસડીએમ કટારીયા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં મકાનોમાં પાણી ભરાવવાના કારણે લોકોની ઘરવખરી નાશ પામી હતી.

150 લોકોનું કરાયું સ્થળાંતર

જ્યારે 150 થી વધુ લોકોને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમને આબુરોડ રેલવેના સામુદાયિક ભવનમાં આશ્રય આપવામાં આવ્યો છે. લુનિયાપુરા વિસ્તારમાં આબુરોડ પાલિકાના પ્રમુખ મગન દાન ચારણ, ડીવાયએસપી યોગેશ શર્મા, નવલારામ, તલાટી રાયચંદ દેવાસી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી મકાનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી હતી.

લુનિયાપુરા
150 લોકોનું કરાયું સ્થળાંતર

કલેકટર, એસપી પહોંચ્યા લુનિયાપુરા

લુનિયાપુરા ના ડૂબ વિસ્તારમાં મકાનોમાં પાણી ઘસી ગયા હતા. જ્યાં રહેતા લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું હતું. તે દરમિયાન સિરોહી જિલ્લા કલેકટર ડો. ભવરલાલ ચૌધરી અને એસપી મમતા ગુપ્તાએ આ વિસ્તારની જાત મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અને આ કામગીરીમાં રોકાયેલા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

બુધવારે શાળામાં રજા જાહેર કરાઇ

સિરોહી જિલ્લામાં રાત્રીથી પડી રહેલા ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. જેને લઈને જિલ્લાના પિંડવાડા, આબુરોડ અને આબુ પર્વત વિસ્તારની શાળાઓમાં બુધવારે તારીખ 24 ઓગસ્ટના રોજ જિલ્લા કલેક્ટર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. જોકે માત્ર વિદ્યાર્થીઓ માટે જ આ રજા જાહેર કરાઇ હોવાનું આદેશમાં જણાવ્યું છે.

Back to top button