એજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 8 કૌભાંડ – ગેરરીતિમાં સરકારે આપ્યાં તપાસના આદેશ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એકથી દોઢ વર્ષની અંદર થયેલા કૌભાંડ મીડિયા દ્વારા ઉજાગર કરવામાં આવ્યા હોવા છતાં પૂર્વ કે વર્તમાન કુલપતિ દ્વારા તેને ગંભીરતાથી ધ્યાને લેવામાં ન આવ્યા હોય અને યુનિવર્સિટીની છબી ખરડાતી હોય જેના પગલે હવે આવા કૌભાંડો અંગે તપાસ કરવા માટે રાજ્ય સરકારે આદેશ આપ્યાં છે જેના કારણે યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે.
બે ક્લાસ-1 અધિકારીઓની નિમણુંક, સરકારને સોંપશે રિપોર્ટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કૌભાંડોની યુનિવર્સિટી બની ગઈ હોય એમ છેલ્લા એક વર્ષમાં ઢગલાબંધ કૌભાંડો અને ગેરરીતિઓ બહાર આવી છે. આ માટે સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે બે ક્લાસ-1 અધિકારીઓની નિમણૂક પણ કરી છે જે આગામી દિવસોમાં યુનિ.માં આવીને આ તમામ મુદ્દાઓની તપાસ કરીને સરકારને રિપોર્ટ આપશે.
ક્યાં ક્યાં કૌભાંડો અને ગેરરીતિની કરાશે તપાસ ?
(૧) માટી કૌભાંડ, ભરતી કૌભાંડ તથા અનેક ગેરવહીવટ બાદ સામાન્ય જનમાનસનો યુનિવર્સિટી તંત્ર ઉપરથી ભરોસો ઉતરી ગયો છે.
(૨) મોટાભાગના સેનેટ અને સિન્ડિકેટ સભ્યો 20થી 30 વર્ષથી છે, આવા સ્થાપિત હિતો કોઈપણ સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને પ્રમાણિક લોકોને યુનિ.માં પ્રવેશ કરવા દેતા નથી.
(૩) પ્રત્યેક સિન્ડિકેટ સભ્યોની ખાનગી કોલેજો છે જેમાં કરોડોની આવક યેન-કેન પ્રકારે થાય છે જેના લીધે વિદ્યાર્થીના હિતલક્ષી નિર્ણય શક્ય બનતા નથી. તેઓ પોતાનું જ આર્થિક હિત જોવે છે.
(૪) પ્રવર્તમાન સંજોગોમાં યુનિવર્સિટી વ્યક્તિ અને પરિવાર કેન્દ્રિત બની ગઈ છે જે છાપમાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે.
(૫) વહીવટી સ્ટાફના ઘણા કર્મચારીઓ યુનિવર્સિટીને બદલે સિન્ડિકેટ સભ્યોની કોલેજમાં કામ કરે છે તથા પગાર યુનિવર્સિટીમાંથી મેળવે છે.
(૬) સિન્ડિકેટ સભ્યોની ખાનગી કોલેજો છે તે કોમર્સિયલ અને રેસિડેન્ટ વિસ્તારમાં ચાલે છે. અને કોઈપણ જાતની યુજીસી અને રાજ્ય સરકારના નીતિ નિયમો મુજબ ચાલતી નથી.
(૭) વર્ષ દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના થતા ઇન્સ્પેક્શન રિપોર્ટમાં (લોકલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ)માં વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
(૮) કૌભાંડો, ભ્રષ્ટાચારોના કિસ્સામાં તથા ગોટાળાને ખાનગી રીતે દબાવવા માટે સમિતિની રચના સિન્ડિકેટ સભ્યો દ્વારા કરવામાં આવે છે અને ઢાંકપિછોડો કરી ક્લીનચીટ આપવામાં આવે છે.