ભારત અને ચીનની વચ્ચે સરહદ અને આર્થિક મોર્ચે તણાવ રહેતો હોય છે. આ દરમિયાન હવે ક્રિકેટના મેદાન પર બંને દેશ સાથે આવવાની તૈયારીમાં છે. ભારત હવે ચીનને ક્રિકેટ રમવાનુ શીખવાડશે અને આ માટે બંને સહમત પણ થઈ ગયા છે. ચીનના કાઉન્સિલ જનરલ દ્વારા બંગાળ ક્રિકેટ એસોસિએશનને એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, જેમાં ચીનમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે મદદ માગવામાં આવી છે.
ચીનના ત્રણ અધિકારીઓએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે ક્રિકેટ વિશે જાણ્યું અને પોતાના દેશમાં તેને પ્રોત્સાહન આપવા માટે મદદ માગી. બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષે આ મુલાકાત વિશે જણાવ્યુ કે ચીની પ્રતિનિધિમંડળે અમારી સાથે મુલાકાત કરી છે અને ચીનના ચોન્ગક્વિન્ગ શહેરમાં ક્રિકેટ સુવિધાઓમાં મદદ આપવા માટે કહેવામાં આવ્યું છે. અમે ક્રિકેટને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ, એવામાં અમે તેમનો વિશ્વાસ અપાવ્યો છે. એ સારી વાત છે કે ચીન પણ ક્રિકેટને પસંદ કરી રહ્યુ છે.
CAB ચેરમેને કહ્યું-અમે અગાઉ ભૂટાન ક્રિકેટ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની મદદ કરી છે. બાંગ્લાદેશની સાથે અમે ઘણા પ્રકારના પ્રોગ્રામ પણ ચલાવીએ છીએ. તેઓ ઈચ્છે છે કે નવા ખેલાડીઓને જુદા-જુદા પ્રકારની તક મળી શકે. અમે કહ્યુ કે તેમના કોચ અમારે ત્યાં આવીને ટ્રેનિંગ લઈ શકે છે.
ચીન ક્રિકેટ કેવી રીતે શીખશે?
ચીન તરફથી બંગાળ ક્રિકેટ એસોસિએશનને જે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, તેમાં ચોન્ગક્વિન્ગ શહેરમાં ક્રિકેટ સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે મદદ માગવામાં આવી છે. જેના હેઠળ એક એમઓયુ સાઈન કરવામાં આવશે, જે બાદ ત્યાંથી ક્રિકેટર્સ, કોચને ટ્રેનિંગ માટે કલકત્તા મોકલવામાં આવશે.
આ સાથે જ અમુક ફ્રેન્ડલી મેચ અને ટુર્નામેન્ટ કરાવીને પ્રેક્ટિસ કરવામાં આવશે. હજુ આ પ્રોગ્રામ ક્યારથી શરૂ થશે, એ સ્પષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે ભારત ક્રિકેટમાં એક મહાશક્તિ છે, તેની ટીમ સૌથી શ્રેષ્ઠમાંની એક છે અને ભારતમાં ક્રિકેટને લઈને શ્રેષ્ઠ સુવિધાઓ પણ છે.