કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આવશે સૌરાષ્ટ્ર, જૂનાગઢ અને સોમનાથ જશે

Text To Speech

બોલીવુડના અભિનેતા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આગામી ગુરૂવાર અને શુક્રવાર તા.25 તથા તા.26 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર પ્રવાસે આવનાર છે. તેમના પ્રવાસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ જૂનાગઢ અને ગીર સોમનાથ જવાના છે. અહીં તેઓ ગીરનાર પર્વત ઉપર આવેલા અંબાજી મંદિર, શેરનાથ બાપુના આશ્રમની મુલાકાત લઈ ત્યાં દર્શન કરી આશીર્વાદ મેળવવાના છે. ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર ખાતે શીશ ઝુંકાવવા પણ જવાના છે.

પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરી

સદીના મહાનાયક આગામી 25 અને 26 ઓગસ્ટના રોજ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવવાના છે. આ અંગે જિલ્લા પોલીસ વડા પાસે ખાસ બંદોબસ્ત અંગે અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાને તેઓની અરજી માન્ય રાખી ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અંબાજી મંદિર અને સોમનાથમાં ખુશ્બૂ ગુજરાત કી અંતર્ગત શૂટિંગ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાત ટુરિઝમ પોલીસી હેઠળ રાજ્યના પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી તેમણે રાજ્યના પ્રવાસન વિભાગને વેગ આપવા માટે જુદી જુદી જગ્યાએ શૂટિંગ કર્યું હતું અને તેનો ઈતિહાસ ઉજાગર કરવાની કોશિષ કરી હતી જે અંતર્ગત તેઓ શૂટિંગ માટે અગાઉ અંબાજી મંદિર અને સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવ્યા હતા.

Back to top button