આબુરોડમાં બે કાંઠે વહેતી બનાસ નદી
પાલનપુર : રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે આજુબાજુના નદી- નાળા વરસાદી પાણીથી ઉભરાઈ રહ્યા છે. જે પાણી આબુરોડમાં પાસેથી વહેતી બનાસ નદીમાં ઠલવાય છે. જેને લઇ આ નદીના પાણીના વહેણમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. અહીંની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. આ નદી અમીરગઢ પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે.
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદથી આબુરોડ પાસેના લુણીયાપુરા નાળામાં બનાસ નદી તેજ ગતિએ આગળ વધી રહી છે. જે પાણી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં આવે છે. જેથી દાંતીવાડા ડેમમાં સતત પાણીની થઈ રહેલી આવકને લઈને દાંતીવાડા મામલતદાર દ્વારા બનાસ નદીના પટમાં લોકોને અવરજવર નહીં કરવા જણાવવામાં આવ્યું છે.
જ્યારે બનાસકાંઠા જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એલર્ટ મોડ ઉપર કામ કરી રહ્યું છે. આવનારા સમયમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થવાની સંભાવના છે. હાલમાં ડેમમાં પાણીની સપાટી 593.90 ફૂટે પહોંચી છે. જ્યારે પાણીની આવક 9908 ક્યુસેક થઈ રહી છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. અતિભારે વરસાદની આગાહીને પગલે દાંતીવાડા સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ ડેમ ઉપર સતત નજર રાખી રહ્યા છે. ખેડૂતોને પણ આ વર્ષે ડેમ પૂરો ભરાઈ જવાની આશા જન્મી છે.