થરાદમાં બાળ તસ્કરીનો પર્દાફાશ, રૂ. ચાર લાખમાં સોદો થાય તે પહેલાં જ બાળ કિશોરીને બચાવાઇ
પાલનપુર: થરાદના ડેલ ગામમાં બહારગામ થી બાળકીશોરીની તસ્કરી કરીને લાવી તેને વેચી નાખવાની અધમ પ્રવૃતિનો થરાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં અમદાવાદથી બાળક કિશોરીને ડેલ ગામે લાવીને તેના લગ્ન કરાવવાની ફિરાકમાં રહેલા એક પુરુષ અને મહિલાને પોલીસે ઝડપી લીધા છે. આ બાળ તસ્કરીમાં સંડોવાયેલા આઠ લોકો સામે ગુનો નોંધાયો છે.
આર્થિક રીતે ફાયદો થતો હોય તો સગી દીકરીને વેચી દેવાની અધમ પ્રવૃતિ કરતા મા -બાપ પણ અચકાતા નથી. જ્યારે દલાલો પણ આવા શિકારની શોધમાં હોય છે. જે મોકાનો ફાયદો ઉઠાવી લેતા હોય છે. પરંતુ થરાદ પોલીસે એક બાળ કિશોરીને તસ્કરી ગેંગના કબજામાંથી છોડાવી આવા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
રૂ. 40 હજારમાં ડેલ ગામના શખ્સો અમદાવાદથી કિશોરીને લાવ્યા હતા
થરાદના એએસપી પૂજા યાદવને બાળ કિશોરીઓને થરાદ વિસ્તારમાં તસ્કરી કરીને લાવતા હોવાનો અને તેને રૂપિયાથી મળે એટલે વેચી લગ્ન કરાવવાનું રેકેટ ચાલતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ માહિતીના આધારે એએસપી પૂજા યાદવે પોલીસ સ્ટાફ સાથે થરાદ- વાવ રોડ ઉપર એક મકાનમાં રેડ કરી હતી. જ્યાંથી મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આલેસા ગામની એક સગીર કિશોરી મળી આવી હતી. જેના માતા-પિતા હાલ સાત વર્ષથી અમદાવાદના નરોડાના ઔડાના મકાનમાં રહે છે. આ સગીર કિશોરીના માતા-પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કિશોરીને અમદાવાદની વોન્ટેડ આરોપી રમીલા દીદીને રૂપિયા 40 હજારમાંવેચી દીધી હતી. અને અન્ય એક દલાલ હંસા માસી મારફતે થરાદના ડેલ ગામમાં લાવી ફુલબાઈ બળવંતભાઈ વાઘેલા અને મઘજી કરસનભાઈએ તેમને ત્યાં રાખી હતી. પોલીસે રેડ કરી ત્યારે ગુલાબબેન મફજી વાઘેલા અને દિયોદરના દેલવાડા ગામના જીવણભાઈ કરસનભાઈ જોશી પણ મદદ કરતા ઝડપાઈ ગયા હતા. જેથી પોલીસે બાળકીશોરી ના તસ્કરીના ગુનામાં આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે આ કિશોરીના લગ્નનો સોદો થાય તે પહેલા જ પોલીસે ઝડપી લઈને બાળ કિશોરીની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદઃ 40 જેટલાં પાકિસ્તાની શરણાર્થીઓને ભારતની નાગરિકતા અપાઈ, એક દિવ્યાંગ બાળકી હર્ષ સંઘવીને ભેટી પડી
લગ્ન કરાવી નાખવાની ફિરાકમાં હતા ત્યાં જ પોલીસે ઝડપી લીધા
વિડીયો કોલ કરી કિશોરીના લગ્ન માટે મુરતિયા બતાવતા અમદાવાદથી રૂપિયા 40હજારમાં બાળ કીશોરીને વેચનારી દલાલે થરાદના ડેલના ફુલબાઈ વાઘેલા અને મઘજી વાઘેલાને સોંપી હતી. ત્રણેક મહિનાથી આ બાળ કિશોરીને ગુલાબબેન વાઘેલાના ઘરમાં જ ગોંધી રાખવામાં આવી હતી. જ્યાંથી ફુલબાઈ, મઘજી, ગુલાબભાઈ અને કરસનભાઈ જોશી સગીર કિશોરીના ફોટા પાડી તેને વોટ્સએપ થી અને વિડીયો કોલ કરાવી મુરતિયાને બતાવી રહ્યા હતા. અને સોદો પાર પાડવાની ફિરાકમાં હતા.
રૂ. ચાર લાખમાં વેચવાનો હતો ઇરાદો
વોટ્સએપ અને વિડીયોકોલ થી સગીર કિશોરીને મુરતિયા જોતા હતા. જેને લઈને કેટલાક લગ્ન ઈચ્છુકો રૂબરૂ જોવા પણ આવી ગયા હતા. પરંતુ આ લાલચુ આરોપીઓને જે મુરતિયો રૂ. 4 લાખથી વધુ આપે તેની સાથે સોદો પાર પાડવો હતો. પરંતુ પોલીસને ગંધ આવતા આરોપીઓનો પ્લાન ચોપટ વળી ગયો હતો અને સદનસીબે કિશોરી બચી ગઈ હતી.
આ આઠ સામે ફરિયાદ થઈ
થરાદ વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના પોલીસ કોન્સ્ટેબલ શીવાભાઈ પુનમાજીએ રેકેટમાં સંડોવાયેલા આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં અમદાવાદની રમીલા દીદી, હંસા માસી, ડેલગામના ગુલાબબેન મફજી વાઘેલા, ફુલબાઈ બળવંતભાઈ વાઘેલા, દિયોદરના દેલવાડાના જીવણભાઈ કરસનભાઈ જોશી અને બાળકીશોરી ના માતા અને પિતાનો સમાવેશ થાય છે.