સાનિયા મિર્ઝા યુએસ ઓપન 2022માંથી ખસી ગઈ છે. કોણીમાં ઈજાના કારણે તેને આ નિર્ણય લેવો પડ્યો હતો. સાનિયા મિર્ઝાને બે અઠવાડિયા પહેલા આ ઈજા થઈ હતી, જેમાંથી તે સ્વસ્થ થઇ શકી નથી. તેણે મંગળવારે સવારે ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરીને તેના ચાહકોને આ જાણકારી આપી હતી.
સાનિયાએ ઈન્સ્ટામાં આ લખ્યું
સાનિયાએ લખ્યું હતું કે, “સારા સમાચાર નથી. બે અઠવાડિયા પહેલા કેનેડામાં રમતી વખતે મારી કોણીમાં ઈજા થઈ હતી. મને ખ્યાલ નહોતો કે તે કેટલી ગંભીર બની શકે છે. ગઈકાલે મારી ઇજાનું સ્કેન કરવામાં આવ્યું હતું. કમનસીબે, મારી ઇજા યથાવત છે. મારે એક અઠવાડિયા માટે કોર્ટથી દૂર રહેવું પડશે. હું યુએસ ઓપનમાંથી ખસી ગઇ છું. આ મારી નિવૃત્તિ યોજનામાં પણ ફેરફાર કરશે. હું તમને મારા અપડેટ્સ આપતી રહીશ.”
2022ના અંત સુધીમાં નિવૃતિ લેવાની હતી
આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર્યા બાદ સાનિયા મિર્ઝાએ જાહેરાત કરી હતી કે તે 2022ના અંતમાં ટેનિસમાંથી નિવૃત્તિ લેશે. તે કદાચ યુએસ ઓપન 2022 સાથે ટેનિસને અલવિદા કહી શકે છે. જો કે, હવે ઈજાના કારણે આ શક્ય બની શક્યું નથી. હવે તે આગળની કોઈપણ મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અંત લાવવાની જાહેરાત કરી શકે છે.
સાનિયા મિર્ઝાએ છ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે
35 વર્ષની સાનિયા ભારતની મહાન મહિલા ટેનિસ ખેલાડી છે. તે 2003થી અત્યાર સુધી સતત ટેનિસ રમી રહી છે. તે પોતાની કારકિર્દીમાં ડબલ્સમાં પણ નંબર-1 રહી છે. તેણે અત્યાર સુધીમાં છ ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. મિક્સ ડબલ્સમાં સાનિયાએ 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2012માં ફ્રેન્ચ ઓપન અને 2014માં યુએસ ઓપન જીતી હતી. આ પછી, મહિલા ડબલ્સમાં સાનિયાએ 2015માં વિમ્બલ્ડન અને યુએસ ઓપન અને 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી છે.