જન્માષ્ટમી પર્વના ચાર દિવસમાં 4.97 લાખ ભાવિકોએ દ્વારકાધિશના દર્શન કર્યા
દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ દ્વારકાધિશ જગત મંદિરમાં જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી થાય છે. અનેક રાજ્યોમાંથી લોકો મોટી સંખ્યામાં જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા ખાતે ઉમટે છે. ત્યારે ગત તા.18 થી 21 ઓગસ્ટ દરમિયાન કુલ 4.97 લાખ ભાવિકોએ દ્વારકાધિશના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રી, સાંસદ સહિત અનેક મહાનુભાવોએ લાભ લીધો
દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના તહેવારમાં દ્વારકા ખાતે લોકો વિશાળ સંખ્યામાં ઉમટતા હોય છે. આ વર્ષે જન્માષ્ટમી દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, હાલારના સાંસદ પૂનમબેન માડમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજભાઈ નથવાણી સહિત અનેક મહાનુભાવોએ જન્માષ્ટમીના દ્વારકાધિશના દર્શનનો લાભ લીધો હતો. ત્યારે અનેક રાજ્યમાંથી લોકો પણ વિશાળ સંખ્યામાં દ્વારકા ખાતે ઉમટયા હતાં. ગત તા.18 ઓગસ્ટના રોજ 73791, તા.19 ઓગષ્ટના 2,11,277 તા.20 ઓગષ્ટના 1,18,834 તથા તા.21 ઓગષ્ટના 93,235 દર્શનાર્થીઓ મળી ચાર દિવસ દરમિયાન કુલ 4,97,137 જેટલા દર્શનાર્થીઓએ ભગવાન દ્વારકાધિશના દર્શનનો લાભ લીધો હતો.
મંદિર પરિસરમાં 80 જેટલા વિખુટા પડેલા બાળકો તથા પરિવારજનોનું પુનર્મિલન કરાવાયું
દ્વારકાના સુવિખ્યાત જગત મંદિરે જન્માષ્ટમી પર્વ નિમિત્તે આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ- દર્શનાર્થી આવ્યા હતા. ત્રણ દિવસના સમયગાળા દરમિયાન આશરે ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ જગત મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો. આ માટે દર્શનાર્થીઓ તથા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયની સુચનાથી દ્વારકાધિશ મંદિર સુરક્ષા ડીવાયએસપી સમીર સારડા અને પોલીસ સ્ટાફ દ્વારા અલગથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને મંદિર પરિસરમાં વિખુટા પડેલા બાળકો પરિવારજનો તેમજ ખોવાયેલી વસ્તુઓ માટે ખાસ કંટ્રોલરૂમ તથા એનાઉન્સમેન્ટ કાઉન્ટર રાખવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિર પરિસરમાં જુદા જુદા ભાગમાં દર્શનાર્થીઓને સહાયભૂત થવા માટે પોલીસ કંટ્રોલ રૂમ ખાતેથી માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવતું હતું. જેમાં ખોવાયેલા બાળકો- વૃદ્ધો અંગેની જાહેરાત કે કિંમતી ચીજ-વસ્તુઓ, માલ-સામાન વિગેરે બાબતે એનાઉન્સમેન્ટ કાઉન્ટર મારફતે દર્શનાર્થીઓને માહિતગાર કરવામાં આવતા હતા. જન્માષ્ટમી દરમિયાન ખોવાયેલા ચાર બાળકોને તેમના વાલીઓ સાથે આ એનાઉન્સમેન્ટ કાઉન્ટરની મદદથી પોલીસ દ્વારા મિલન કરાવાયું હતું. તેમાં બાળકોને પોલીસની મદદ લઈ અને પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવામાં આવતા હતા. સમગ્ર જન્માષ્ટમી પર્વ દરમિયાન 80 જેટલા પરિવારને તેમના ઘરના ગુમ થયેલા સદસ્ય- બાળકો તથા વિખુટા પડી ગયેલા વૃદ્ધોને પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેટલાક દર્શનાર્થીઓને તેમની પડી ગયેલી કિંમતી ચીજવસ્તુ આ કંટ્રોલ રૂમ વ્યવસ્થાની મદદથી પરત મળી હતી.