ગુજરાત સરકારે લાંબા સમયથી પૂર્વ સૈનિકોની થઈ રહેલી માંગણીઓ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પૂર્ણ સૈનિકોની 14 પૈકી 3 માગનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારે શહીદ જવાનોના આશ્રિતોને અપાતી સહાયમાં વધારો કર્યો છે. આ અંગેની જાહેરાત ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કરી છે.
14 માંથી 3 નો સ્વીકાર
રાજ્યના માજી સૈનિકો અને તેમના પરિવાર દ્વારા સરકાર પાસે જુદા જુદા 14 પ્રકારની સહાયની માગ કરવામાં આવી રહી હતી. અનેક વખત સરકાર અને માજી સૈનિકો વચ્ચે બેઠકો પણ મળી હતી. ત્યારે સરકાર દ્વારા માજી સૈનિકોની 14 પૈકી ત્રણ માગ સ્વીકારવામાં આવી છે. જેમાં માજી સૈનિકોને અપાતી પુરસ્કારની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. પરમવીર ચક્રથી લઇ વિશિષ્ટ સેવા મેડલના પુરસ્કારની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
શહીદ જવાનો માટે સહાય
જો સહાયની વાત કરવામાં આવે તો શહીદ જવાનની પત્નીની સહાય એક લાખથી વધારી એક કરોડ સૂચિત કરવામાં આવી છે. તો શહીદ જવાનના બાળકને 500થી વધારી પ્રતિ માહ 5000 સહાય સૂચિત કરવામાં આવી છે. જ્યારે શહીદ જવાનના માતા-પિતાની સહાય પણ 500થી વધારી 5 હજાર સૂચિત કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા માજી સૈનિકોના માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. તો શહીદ જવાનોના આશ્રિતોને અપાતી સહાયમાં વધારો કર્યો છે. સાથે જ પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-1 અને 2 માટે 1 ટકા, વર્ગ-3 માટે 10 ટકા અને વર્ગ-4 માટે 20 ટકા આપવાની માર્ગ સ્વીકારાઇ છે. તો જમીનની માંગણીની સામે માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાંથણીથી આપવામાં આવશે.