ભુજઃ કેન્દ્ર સરકાર દ્વારા બાગાયત કલસ્ટર ડેવલોમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત દેશના ૧૨ પાયલોટ કલસ્ટરો પૈકી રાજયમાં કેરી કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ કચ્છ જિલ્લાની પસંદગી કરાઈ છે.
જે અંતર્ગત ભુજ મધ્યે કચ્છ મેંગો કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો એક દિવસ વર્કશોપ યોજાયો હતો. મુખ્ય આયોજક નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ અને નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.ના સહયોગથી અમલ થનાર આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર કચ્છમાં રૂ.૨૦૦ કરોડ સુધીનું મૂડી રોકાણ કરે એવું આયોજન ગોઠવાયું છે. ખેડૂતો અને ખેડૂત ઉત્પાદક સંઘોને ભારત સરકાર દ્વારા રોકાણકારને રૂ.૫૦ કરોડ સુધીની સહાય મળવાપાત્ર છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડના નાયબ નિયામક સુરેન્દ્રસિંઘે સમગ્ર પ્રોજેક્ટ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે. પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) અંતર્ગત આ પોગ્રામનું અમલીકરણ કરાશે. કેન્દ્ર સરકારની આ યોજના થકી કચ્છની કેસર કેરીને આંતરરાષ્ટ્રીય બજાર મળશે. કેરીનું વાવેતર કરનાર ખેડૂતોને તેમના ઉત્પાદનના વેંચાણ માટે યોગ્ય બજાર ઊભી થશે. પરિણામે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ વધશે.
કચ્છના ખેડૂતો સંગઠિત બની ખેડૂત ઉત્પાદક સંગઠનો (એફપીઓ) બનાવે તો ફૂડ પ્રોસેસીંગ સેક્ટર માટેની સરકારની તમામ સહાય અને સુવિધાઓનો લાભ મેળવી શકાશે. ગુજરાત એગ્રો ઇન્સ્ટ્રીઝ કોર્પોરેશનના એમડી ડી.કે. પારેખે જણાવ્યું હતું કે, રૂ.૨૦૦ કરોડના કચ્છ કેસર કેરી કલસ્ટર પ્રોજેકટનાં મૂડી રોકાણમાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન નોડલ એજન્સી છે. માપદંડો આધારિત મેંગો ક્લસ્ટર યોજનામાં જોડાનાર અમલીકરણ એજન્સીને રૂ. ૫૦ કરોડની સહાય મળવાપાત્ર છે. પ્રિહાર્વેસ્ટ, પોસ્ટ હાર્વેસ્ટ અને માર્કેટીંગ અને લોજીસ્ટીક ઈન્ફાસ્ટ્રકચર સાથેની યોજનામાં કચ્છ કેરી કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં જોડાવવા ખેડૂતોને વિપુલ તકો છે. તેનો FPO બનાવી પુરો લાભ લઇએ.
ગુજરાત એગ્રો કોર્પોરેશન, KVK, નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ ખેડૂતોની સાથે છે. પ્રધાનમંત્રીનો ખેડૂતોને તેમના ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારમાં આપવાનો વિચાર સાકાર કરવા સ્થાનિક ખેડૂતો FPO, ખેત ઉત્પાદન સંગઠન બનાવી સમૃધ્ધ બને. કચ્છ જિલ્લા બાગાયત સંયુકત નિયામકશ્રી ડો.ફાલ્ગુન મોઢે જણાવ્યું હતું કે, બાગાયત ક્ષેત્રે કચ્છે ક્રાંતિ કરી છે. સખત પરિશ્રમથી કચ્છી ખેડૂતોએ ક્રાંતિ કરી છે. હવે જરૂર છે સંગઠીત થઇ સહકાર દ્વારા સમૃધ્ધ થવાની. ખેડૂતો વેપારી બનશે તો જ આર્થિક ઉન્નતિ થશે. ખેતી સહકારનો વિષય છે સ્પર્ધાનો નહીં. વૈજ્ઞાનિક પધ્ધતિ અને ટેકનોલોજીથી ખેતી સુધારો. સંગઠન અને સહકાર થકી સમૃધ્ધ બની ક્રેડિટશેરીંગ, સ્કીલ શેરીંગ અને માર્કેટીંગથી સરકારની વિવિધ સહાયનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.
રોકાણકારને રૂ.૫૦ કરોડની નાણાંકીય સહાય મળવાપાત્ર
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એડીશનલ જનરલ મેનેજર હેતલબેન દેસાઇએ કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર ૩૧-૫-૨૦૨૧ના રોજ બાગાયત કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો જે પૈકી દેશમાં પ્રાથમિક તબકકે ૧૨ કલસ્ટરો પૈકી રાજયમાંથી કચ્છને કેરી કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ પસંદ કરાયું છે. આ કેન્દ્રિય યોજનામાં મીડી કલસ્ટર કેટેગરીમાં ૫ થી ૧૫ હજાર હેકટર માટે રોકાણકારને રૂ.૫૦ કરોડની નાણાંકીય સહાય મળવાપાત્ર છે. FPO/AIF/MIDH યોજનાનું આ કન્વર્જન્સ છે. જેમાં કલસ્ટર બ્રાન્ડ અને પ્લાન્ટીંગ મટિરિયલ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જેને ખેડૂતો FPO, મંડળીઓ, ઉધોગકારો અને નિકાસકારો સાથે મળીને આગળ વધારે. કાર્યક્રમમાં કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું માહિતીસભર પ્રેઝન્ટેશન કરાયું હતું.
આ વર્કશોપમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, પ્રયોગશીલ ખેડૂતો, ઉધોગકારો, સ્ટાર્ટઅપ એકમો, નિકાસકારો, સરકારી અને બિનસરકારી સંસ્થાના અગ્રણીઓએ પ્રોજેકટ અને ખેતી બાબતે રસપ્રદ ચર્ચા અને પ્રશ્નોત્તરી કરી હતી.
આ પ્રોજેકટમાં મુડીરોકાણ માટેનું ઓનલાઇન ટેન્ડર ૩૧/૫/૨૦૨૨ સુધી ભરી શકાશે રૂ.૨૦૦ કરોડના પ્રોજેકટમાં ત્રણ વર્ટીકલ છે. જે પૈકી એક એક વર્ટીકલમાં મુડીરોકાણ થઇ શકશે.