વિપુલ ચૌધરી : સમાજના છેવાડાના વ્યક્તિને લાભ મળે તે દિશામાં અર્બુદા સેના કામ કરશે
પાલનપુર: બનાસકાંઠાના ડીસામાં અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની અઘ્યક્ષતામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારના સંગઠનને મજબૂત કરવા માટે અર્બુદા સેના સંગઠનની બેઠક રવિવારે સવારે વંદના પાર્ટી પ્લોટમાં મળી હતી. તેમનું ડીસાના ચૌધરી સમાજની નાની બાળાઓએ તિલક કરી તેમજ સમાજના આગેવનોએ ફૂલહાર, પાઘડી અને સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં અર્બુદા સેનાના પ્રદેશ, જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્યમાં આંજણા ચૌધરી સમાજની અસ્મિતા અને એકતાને ઉજાગર કરવા માટે સમગ્ર રાજ્યમાં સંગઠનની રચના કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંગઠન રચના કરવામાં આવી છે. કાર્યક્રમમાં હોદેદારોને નિમણૂંક પત્ર વિપુલભાઈ ચૌધરીના હસ્તે એનાયત કરાયા હતા. વિપુલભાઈ ચૌધરીએ છેવાડાના ગામનો આંજણા ચૌધરી સમાજનો વ્યક્તિ ઉભો થાય અને આગળ વધે એ દિશામાં કામ કરવાનું છે. તેમજ સમાજની બહેનોને તેમનો હક મેળવવા માટે અર્બુદા સેના કામ કરશે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારના હોદ્દેદારોની નિમણૂંક કરાઇ હતી.જેમાં બનાસકાંઠા અર્બુદા સેનાના પ્રમુખ તરીકે સરદારભાઇ ચૌધરીની વરણી કરાઇ છે. આ ઉપરાંત સંગઠનના ઉપપ્રમુખ, મહામંત્રી, કોષાઅધ્યક્ષ અને કારોબારી સભ્યોની વરણી અને તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના હોદેદારોની વરણી કરાઈ હતી. આ સાથે બનાસકાંઠા જીલ્લાના વિવિધ તાલુકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.