કેન્દ્રએ વિદેશમાંથી ઘઉંની આયાત કરવાના અહેવાલોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ભારતમાં ઘઉંની આયાત કરવાની કોઈ યોજના નથી. દેશ પાસે આપણી સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક છે. આ ઉપરાંત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે પણ જાહેર વિતરણ માટે પૂરતો સ્ટોક છે.
ઘઉં આયાતની અફવાઓ ઉડાડવામાં આવી
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઘઉંની આયાત કરવાની કોઈ યોજના નથી. ભૂતકાળમાં હીટવેવને કારણે ઘઉંના ઉત્પાદનને અસર થઈ હતી. આ પછી સમાચાર આવ્યા કે ભારત વિદેશથી ઘઉંની આયાત કરશે. જોકે, આ વાતને નકારી કાઢવામાં આવી છે અને તે માત્ર અફવા હોવાનું જણાવવામાં આવ્યું છે.
ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો
મહત્વનું છે કે ભારતે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનું મુખ્ય કારણ રૂસો-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક ખાદ્ય સંકટ છે. તાજેતરમાં વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે વિશ્વભરમાં અનિશ્ચિતતા છે. આવી સ્થિતિમાં, જો આપણે નિકાસ કરવાનું શરૂ કરીએ, તો સંગ્રહખોરીની સંભાવના વધી શકે છે. આનાથી એવા દેશોને કોઈ ફાયદો થશે નહીં જેમને અનાજની જરૂરિયાત છે. અમારા આ નિર્ણયની વૈશ્વિક બજારો પર પણ અસર નહીં થાય કારણ કે વૈશ્વિક બજારમાં ભારતની નિકાસ એક ટકાથી ઓછી છે.