બનાસકાંઠા : સંકલન સમિતિની બેઠકમાં હાઇવે પરના ખાડાઓ અને ડીસાના બગીચાનો પ્રશ્નચર્ચાયો
પાલનપુર:પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જન સુખાકારીને લગતા ધારાસભ્યો દ્વારા પુછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યા હતા. આ બેઠકમાં હાઇવે પર પડેલા ખાડાઓ અને ડીસાના બગીચાનો પ્રશ્ન ચર્ચાયો હતો.
આ સંકલન સમિતીની બેઠકમાં ધાનેરા તાલુકાના ખેડુતોને વીજ કનેક્શન આપવા તથા લોડ વધારો આપવા અંગે, વાલેર- વોડા- આલવાડા રોડનું સમારકામ કરવા, દાંતીવાડા વિસ્તારમાં વન વિભાગ દ્વારા ખેડુતોને સૂકા લાકડા લેવા પર હેરાનગતિ અટકાવવા, ડીસા અર્બન હેલ્થ સેન્ટરનું કામ શરૂ કરવા, પંચાયતના રોડ અને સિંચાઇને લગતા પ્રશ્નો, નેશનલ હાઇવે પરના ખાડાઓ પુરવા સહિત ડીસાના બગીચાના પ્રશ્નની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શશીકાંતભાઇ પંડયા અને નથાભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટર રીટા પંડયા, નાયબ પોલીસ અધિક્ષક આર. કે. પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.