વિશેષ

રાજકોટ : મેળામાં સરકારી સ્ટોલ પર રમકડાં વેચીને ચાર સંતાનોના લગ્ન કરાવ્યાં – ગીતાબહેન વઢિયારી

Text To Speech

સરકારની યોજનાઓ અને સહાય ગરીબ અને સામાન્ય માણસોનું જીવન કેટલું બદલી શકે તેના ઉદાહરણ રાજકોટના લોકમેળામાં જોવા મળે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આઝાદીના અમૃત લોકમેળામાં લાખો લોકો પરિવાર-સ્વજનો સાથે આનંદ માણી રહ્યા છે, તો અનેક ઉદ્યમીઓ-વેપારીઓ અહીં રોજગારી મેળવી રહ્યા છે. રાજ્યની મહિલા કારીગરોને રોજગારી મળે તે માટે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમે પણ અહીં ‘શક્તિ મેળા’નું આયોજન કર્યું છે. જેમાં મહિલા કારીગરો પોતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરીને કમાણી કરી રહી છે. આ શક્તિમેળાના સ્ટોલધારક અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા ગીતાબેન વઢીયારે જણાવ્યું હતું કે, પહેલા અમે રોડની સાઈડમાં બેસીને હાથ બનાવટનાં રમકડાઓ વેચતા હતા. અમારી આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. પણ આજથી વીસેક વર્ષ પહેલા એક સરકારી અધિકારીએ અમને આવા મેળામાં બેસીને અમારાં રમકડાં વેચવા માટે સ્ટોલ અપવ્યો. ત્યારથી અમારી જીંદગી બદલાઈ ગઈ છે. સરકાર દ્વારા યોજાતા આવા મેળામાંથી કમાણી કરીને જ હું મારા ચાર દીકરા-દીકરીઓના લગ્ન કરાવી શકી છું.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ અગાઉ સ્ટોલની મુલાકાત લીધી હતી

મેળાઓમાં સ્ટોલના માધ્યમથી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવા સરકાર તરફથી જે પ્રોત્સાહન મળે છે, તેનો હર્ષભેર ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આવા જ એક મેળામાં એકવાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા. તેઓ અમારા હાથ બનાવટનાં રમકડા જોઈને ખૂબ જ ખુશ થયા હતા તેમજ તેમણે રાવણહત્થો નામનું વાજિંત્ર ખૂબ જ સરસ રીતે વગાડ્યું હતું. સરકાર દ્વારા યોજાતા આવા મેળામાંથી અમે રૂપિયા ૩૦-૪૦ હજાર સહેલાઈથી કમાઈ લઈએ છીએ. આવા મેળાના માધ્યમ થકી અમારા પરિવારને સારૂ જીવન આપી શક્યા છીએ… આટલું બોલતાં ગીતાબહેન ભાવુક થઈ ગયા હતા.તેમણે કહ્યું કે, સરકાર અમને વ્યવસાય કરવા માટે સ્ટોલ તો આપે જ છે, પણ સાથે-સાથે મેળામાં કેમ ભાગ લેવો તે બધી બાબતોની તાલીમ પણ આપે છે. સરકારી અધિકારીઓએ આપેલા માર્ગદર્શનના કારણે અમે માત્ર ગુજરાતભરમાં યોજાતા મેળાઓની સાથે દેશભરમાં યોજાતા મેળાઓમાં પણ ભાગ લઈ શકીએ છીએ.

અનેક વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ બનાવીએ છીએ

વધુમાં ગીતાબેને કહ્યું હતું કે, અહીંયા અનેક લોકો અમારી વસ્તુઓ ખરીદે છે અને અમને સારી કમાણી થાય છે. કોઈ ભાવની રકઝક પણ નથી કરતું. અમે હાથબનાવટના રમકડાઓમાં વેસ્ટમાંથી બેસ્ટ તરીકે કાગળની પીપૂડી, કાગળમાંથી બનાવેલી ગદા, લાકડા અને રબરની ગિલોલ, વાંસમાંથી બનેલા સાપ, લાકડાની તલવાર, રાવણહત્થો જેવા અનેક રમકડા અમે બનાવીએ છીએ અને વાજબી કિંમતે વેચીએ છીએ. સરકારની રમકડાઓને પ્રોત્સાહન આપવાની પોલીસીના કારણે અમને હવે સ્ટોલ પણ સરળતાથી મળી રહે છે. આમ, લોકમેળાઓ ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર જ નહીં પણ અનેક મધ્યમ વર્ગીય પરિવારોનો આર્થિક ધબકાર પણ છે.

Back to top button