બ્રહ્માકુમારીના ડીસા સેવા કેન્દ્ર પર જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી
પાલનપુર : જન્માષ્ટમી પર્વ પ્રસંગે માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના વડા દાદી રતન મોહિનીજીએ જણાવ્યું હતું કે, ભારતની પાવન ધરા ઉપર સતયુગના આગમનની તૈયારી સ્વરૂપે પરમાત્મા શિવ ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગના અભ્યાસ દ્વારા માનવમાંથી દેવતા બનાવવાનું કર્તવ્ય કરી રહેલ છે. જેથી નજીકનાં ભવિષ્યમાં શ્રીકૃષ્ણની સત યોગી સૃષ્ટિનું આગમન ભારત માટે ગૌરવની વાત હશે.
બ્રહ્માકુમારી મીડિયાના શશીકાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિશ્વના 140 દેશોના 900 સેવા કેન્દ્ર પર ભારતીય શ્રેષ્ઠ સંસ્કૃતિના મહાપર્વ જન્માષ્ટમીની ઉજવણી દિવ્યતા, પવિત્રતા સંપન્ન બનાવવાની દ્રઢ પ્રતિજ્ઞા સાથે યોજાયેલ. વિશ્વના અનેક દેશોમાં સેવા કેન્દ્રો પર દૈવી પોશાક સાથે શ્રીકૃષ્ણ અને રાધાના સ્વરૂપમાં ભારતીય દિવ્યતા સંસ્કૃતિનો પરિચય આપવામાં આવ્યો હતો. જેમાં રશિયાના મોસ્કોમાં રશિયા તથા ભારતીય સંસ્કૃતિ પ્રભાગ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ભારતીય દૂતાવાસના રાજદૂત પવનકુમારે ભાગ લઈ બ્રહ્માકુમારી કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ડીસાના સેવા કેન્દ્ર પર શ્રીકૃષ્ણ- રાધા અને માતા જશોદાના પરિવેશમાં સુંદર દિવ્ય નૃત્ય- નાટક દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમૃગ્ધ કરતો અલૌકિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જન્માષ્ટમીના સમારંભને સંબોધન કરતા ડીસા સંસ્થાના સંચાલિકા બ્રહ્માકુમારી સુરેખા બહેન એ જણાવેલ કે વિશ્વમાં ભારતીય દિવ્ય સંસ્કૃતિની ઓળખ આજે પણ કાયમ છે. તે જ દિવ્યતા સંપન્ન ભારતની સ્થાપના માટે પરમાત્મા આજે સર્વનું આહ્વાન કરી રહેલ છે કે, નજીકના ભવિષ્યમાં આવનારા સતયુગ માટે સર્વ પોતાને દેવી દેવતા સમ બનવા અધ્યાત્મ સંપન્ન બને. તથા ઈશ્વરીય કર્તવ્યને ઓળખી પોતાને શ્રેષ્ઠ બનાવે.