ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝ

રામદેવરા જતા દાંતાના કુકડી ગામના યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 6 ના મોત

Text To Speech

પાલનપુર : રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના યાત્રાળુઓ ટ્રેક્ટર-ટ્રોલીમાં રામદેવરા જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. ટ્રક સાથે થયેલ અકસ્માતની ઘટનામાં 6 યાત્રાળુઓના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા. જ્યારે 21 યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગુજરાતના દાંતા તાલુકાના યાત્રાળુઓની અકસ્માતની આ ઘટનાને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

pali Accident 013

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કુકડી ગામના યાત્રાળુઓ ટ્રેક્ટર- ટ્રોલીમાં રામદેવરા દર્શને જવા માટે નીકળ્યા હતા. જેઓના ટ્રેકટર -ટ્રોલીને શુક્રવારે રાત્રે રાજસ્થાનના પાલી જિલ્લાના પાલડી જોડ ગામ પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટના સ્થળે 6 યાત્રાળુઓના કરુણ મોત થયા હતા. જ્યારે 21 યાત્રાળુઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ટ્રેક્ટર- ટ્રોલીના ફુરચા ઉડી ગયા હતા.

pali Accident

ઘટનાની જાણ થતા સુમેરપુર અને શિવગંજની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઇજાગ્રસ્તો અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોમાં કેટલાકની સ્થિતિ ગંભીર જણાતા અન્યત્ર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સુમેરપુરના ધારાસભ્ય જોરારામ કુમાવત, સુમેરપુર ના નાયબ કલેકટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકએ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના પ્રત્યે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે એ દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અને ઘાયલો તુરંત જ સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી કામના કરીને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાતના યાત્રાળુઓને નડેલા અકસ્માતને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અકસ્માતના મૃતકો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી હતી. અને તેમની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે હોવાનું જણાવીને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

Back to top button