અમદાવાદઃ જગતના નાથ ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે લોકોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર દ્વારા આજે ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના એમ ત્રણેય રથનું ભક્તો અને મંદિરના સેવકોની હાજરીમાં પૂજન કરવામાં આવ્યું હતું.
પરંપરાગત આયોજન થશેઃ ટ્રસ્ટી
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમજ શણગાર કરેલી ટ્રકો સાથે નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તોની હાજરીમાં નીકળશે અને લોકો ભગવાનના દર્શન કરી શકશે. 12મી જૂને ભગવાનની જળયાત્રા યોજાશે અને 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.
ગયા વર્ષે 3 કલાકમાં જ રથયાત્રા પૂરી કરી હતી
કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા મંદિરની બહાર કાઢવામાં આવી ન હતી. માત્ર મંદિર પરિસરની અંદર જ ત્રણેય રથને ફેરવી અને આખો દિવસ પરિસરમાં જ મૂકી રાખવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2021માં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નિકાળવામાં આવી હતી. પરંતુ રથયાત્રા એક પણ ભકતોની હાજરી વિના માત્ર હાથી અને ત્રણ રથ સાથે પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ત્રણ કલાકની અંદર જ રથયાત્રા મંદિર પરિસરમાં પરત ફરી હતી.