વજુભાઈએ શ્રી કૃષ્ણ સાથે કરી PM મોદીની સરખામણી
જન્માષ્ટમીના શુભ દિવસ પર ભાજપ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીની સરખામણી ભગવાન કૃષ્ણથી કરી, જે પરિવારવાદ (વંશવાદી રાજનીતિ) અને ભાઈ-ભત્રીજાવાદના વિરૂદ્ધ લડી રહ્યા છે. વજુભાઈ વાળાએ રાજકોટમાં એક ધર્મસભાને સંબોધિત કરતા આ વાત કહી છે.
પીએમ મોદી શ્રીકૃષ્ણ જેવા છેઃ વજુભાઈ વાળા
કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં ધર્મસભાને સંબોધન કર્યું હતું. તેમણે ધર્મ સભામાં ગીતા અને કર્મની વાતો કરી હતી. તેમજ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનને ભગવાન કૃષ્ણના જીવન સાથે સરખાવ્યું હતું. ધર્મસભામા વજુભાઈ વાળાએ કહ્યું કે, પીએમ મોદી શ્રીકૃષ્ણ જેવા છે. નરેન્દ્ર મોદીએ શ્રીકૃષ્ણની જેમ સગાવાદને ક્યારેય મહત્વ નથી આપ્યું.
વાળાએ કહ્યું, “ભગવાન કૃષ્ણ મહાભારત કાળ દરમિયાન એક તરફીઓની સામે લડ્યા હતા અને પીએ મોદી વર્તમાન સમયમાં ભત્રીજાવાદ સામે લડી રહ્યા છે.” વાળાએ તેમના ભાષણ દરમિયાન, લાલ કિલ્લા પર તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ભ્રષ્ટાચાર અને પરિવાર સામેની લડાઈ પર પીએમ મોદીના નિવેદનને પણ ટાંક્યું.
તેમણે એમ પણ કહ્યું- ભાજપ માટે રાજ્ય વિધાનસભામાં 182 બેઠકો જીતવી મુશ્કેલ લાગે છે. પરંતુ તે અશક્ય નથી કારણકે પાર્ટી ચૂંટણી લડવા માટે ખૂબ જ નિર્ધાર સાથે કામ કરે છે.
તો…પણ ભાજપ જ જીતશેઃ વજુ વાળા
ભાજપના અન્ય નેતાઓની જેમ, વાળા પણ રાજ્યની ચૂંટણીમાં AAPની એન્ટ્રીને લઈ ચિંતિત નહોતા. તેમણે કહ્યું-જો ત્રીજો કે ચોથો અને પાંચમો પક્ષ રાજ્યના ચૂંટણી રાજકારણમાં આવે તો પણ માત્ર ભાજપ જ જીતશે.