ડીસામાં નાયબ કલેકટર પરિવાર સહિત કોરોનાગ્રસ્ત
પાલનપુર: ડીસામાં નાયબ કલેકટર અને તેમનો પરિવાર કોરોનાગ્રસ્ત થયો છે. અને તેઓ પરિવાર સાથે હોમ કોરોન્ટાઇન થયા છે. ડીસામાં લાંબા સમય બાદ કોરોનાએ ફરી દસ્તક દીધી છે.
સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના ના કેસોમાં છેલ્લા એક વર્ષથી સતત ઘટાડો નોંધાયા બાદ કોરોના વાયરસ ફરીવાર માથું ઊંચકી રહ્યું હોય એવું લાગે છે. જયારે લોકો કોરોના અને સોશ્યલ ડિસ્ટન્સિંગ ને ભૂલી ગયાં છે. ત્યારે આ કોરોના એ ડીસામાં પણ દસ્તક દીધી છે . ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેકટર યુ. એસ. શુક્લ ગત એક અઠવાડિયાથી રજા ઉપર હતા. પરંતુ ડીસામાં ભારે વરસાદના પગલે પ્રાંત અધિકારી તરીકે પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી પરિવાર સહિત રજા પર થી પરત ડીસા આવી ગયા હતા. પરંતુ તેમને તાવ, શરદી, ઉધરસ, અશક્તિ વિગેરે કોરોના વાયરસ ના લક્ષણો જણાઈ આવતા સિવિલ હોસ્પિટલ ડીસા ખાતે રિપોર્ટ કરાવતા તેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ પરિવારમાં તેમની પત્ની સહિત બન્ને બાળકોમાં પણ તાવ, શરદી જેવા લક્ષણો જણાઈ આવતા તમામે કોરોના ટેસ્ટ કરાવતા તમામને પણ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર પરિવાર હોમ કોરોન્ટાઇન થયો છે. તેમ છતાં પણ એક કર્તવ્ય નિષ્ઠ અધિકારી તરીકે પ્રાંત અધિકારી ડીસા હાલની વરસાદની સ્થિતિ અને દાંતીવાડા ડેમની વધતી સપાટી ઉપર નજર રાખી રહ્યા છે. અને રાહત બચાવની કામગીરીનું સંકલન કરી રહ્યા છે. જરૂરી લાગે ત્યાં સુચનાઓ પણ આપી કામ કરી રહ્યા છે. તેમજ ડીસાવાસીઓને કોઈ જ તકલીફ ના પડે તે બાબત ઉપર પૂરતું ધ્યાન આપી રહ્યા છે.