ઉત્તર ગુજરાત

ગુજરાતનું ગૌરવ :આંતરરાષ્ટ્રિય કવીઝ કોમ્પિટિશનમાં શેર બુલંદખાન બાબી પ્રથમ

Text To Speech

પાલનપુર: ભારત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે દેશ- દુનિયામાં વિવિધ સ્તરે વિવિધ પ્રકારના આયોજન દ્વારા ભારતની આઝાદીના ઇતિહાસને ઉજાગર કરવાનો અને ભાવિ પેઢીને ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને તેના ભવ્ય વારસાથી પરિચિત થવાનો મોકો પ્રદાન કરવામાં આવી રહ્યો છે.

બર્લિન ખાતે એમ્બેસેડર દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરાયો

ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદેશમાં વસતા ભારતીયો તેમજ વિદેશી યુવાનો ભારત દેશ વિશે વધુ જાણકારી મેળવી શકે એ હેતુથી ડિસેમ્બર 2021માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક કવીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દુનિયાભરમાંથી ૧૭૮ દેશોના પંદર હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં ગુજરાતના પનોતા પુત્ર , પાલનપુર ખાતે મઘ્યાહન ભોજનના નાયબ કલેક્ટર તરીકે સેવારત અધિકારી એફ.એ.બાબીના સુપુત્ર તથા હાલમાં જર્મનીના ડ્રેસડન ખાતે એમ.એસ.સી. વેબ એન્ડ ડેટા સાયન્સનો અભ્યાસ કરતા શેર બુલંદખાન બાબીએ પ્રથમ નંબર મેળવી સમગ્ર દુનિયામાં ભારતીય જ્ઞાનનો પરચમ લહેરાવ્યો છે. તેમની આ સિદ્ધિએ વિદેશની ધરતી પર સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ કવીઝ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર શેર બુલંદખાનને જર્મનીના બર્લિન ખાતે યોજાયેલા સ્વતંત્રતા પર્વની ઉજવણીના સમારોહમાં ભારતના જર્મની ખાતેના એમ્બેસેડર પર્વતથાનેની હરિશના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શેર બુલંદખાનની આ સિદ્ધિ બદલ જિલ્લા કલેકટર આનંદ પટેલ અને અધિકારીગણે તેઓને તથા તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button