બનાસકાંઠામાં લમ્પીમાં સપડાયેલા વધુ 16 પશુઓના નીપજ્યા મોત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં એક બાજુ વરસાદના કારણે ગામડાંઓમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યાં બીજી બાજુ લમ્પી વાયરસમાં હજુ પશુઓ સપડાઈ રહ્યા છે. જોકે પશુઓમાં રસીકરણને લઈને સ્થિતી મહદ અંશે કાબુમાં આવી છે. ત્યારે બુધવારે સાંજે મળેલી વિગત અનુસાર વધુ 16 પશુઓ લમ્પી વાયરસનો ભોગ બન્યા છે. જેથી જિલ્લામાં કુલ 327 પશુઓના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે 11 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ફરી એકવાર ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવશે, અમદાવાદમાં ઉજવશે જન્માષ્ટમી
11 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું
બનાસકાંઠા જિલ્લામાં બુધવારે સાંજ સુધી લમ્પી વાયરસના વધુ 603 કેસ સામે આવતા કુલ 16,181 કેસ નોંધાયા છે. જેમાં વધુ 16 પશુઓ લમ્પી વાયરસે ભોગ લેતા પશુઓનો મૃત્યાંક 327 થયો છે. જિલ્લામાં 19 ગામોમાં 603 પશુઓ લમ્પી વાયરસમાં સપડાયા હતા. પશુપાલન વિભાગની ટીમોએ કરેલા સર્વે દરમિયાન આ વાયરસ ડીસા, પાલનપુર, કાંકરેજ, વાવ, થરાદ, ભાભર, દિયોદર, ધાનેરા, દાંતીવાડા, સુઈગામ અને લાખણી સહિતના ગામડાઓમાં આ વાયરસ પ્રસરી રહ્યો છે. કુલ 14 તાલુકાના 553 ગામોમાં સંક્રમણ છે. બુધવારે સાંજ સુધીમાં 9700 પશુઓને રસી અપાઇ છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 11, 42,800 પશુઓનું રસીકરણ થઈ ચૂક્યું છે. જ્યારે જિલ્લામાં કુલ 327 પશુ લમ્પી વાયરસનો ભોગ બનતા આ પશુઓના મોત નિપજ્યા છે.