ચોમાસું આવે અને અમદાવાદમાં ખાડારાજ શરુ ના થાય તેવું બને ના..દરેક વર્ષે ચોમાસામાં આ જ ઘાટ ઘડાય છે. ચોમાસામાં મોટાભાગના રોડરસ્તાઓ તૂટી જાય છે અને મસમોટા ખાડાઓ પડી જાય છે જેને લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એટલું જ અનેક અકસ્માતમાં કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે આ ખાડાઓ હવે મનપા કમિશ્નરના ધ્યાને આવ્યા છે. અને તેઓએ અધિકારીઓને ખખડાવ્યા છે અને આદેશ આપ્યો છે કે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે.
મનપા કમિશનરે કર્યો આદેશ
મહત્વની વાત તો એ છે કે શહેરીજનો આ બિસ્માર રોડ રસ્તાની અનેક વાર રજૂઆત કરી ચુક્યા છે તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી હલ્યું નથી. પરંતુ મોડેમોડે પણ કમિશ્નરની આંખ સામે આ ખાડારાજ આવતા અધિકારીઓને ઝાટકયા છે અને સુચના આપી છે કે તાત્કાલિક ધોરણે શહેરમાં પડેલા ખાડા પૂરવામાં આવે. ત્યારે જોવાનું એ રહેશે કે શું ખરેખર આ આદેશનું પાલન થશે કે પછી?
શું કહ્યું મનપા કમિશનરે?
ગત રોજ મળેલી બેઠકમાં કમિશનર લોચન સેહરાએ અધિકારીઓને ખખડાવ્યા હતા. લોચન સેહરાએ ઈજનેર વિભાગના અધિકારીઓ પાસે જવાબ માંગ્યો હતો અને પૂછ્યું હતું કે ઈજનેર ખાતામાં શુ ચાલી રહ્યુ છે, ખાડા પુરવાની જવાબદારી કોની છે? નાગરિકો ફરિયાદ કરીને થાકી ગયા છે પણ ખાડાની સ્થિતિમાં કોઇ સુધારો નથી આવ્યો, છેલ્લી 3 બેઠકમાં ખાડા પુરવાની ચેતવણી આપી ચુક્યો છું. મારી ચેતવણી બાદ પણ સ્થિતિમાં કોઇ ફેર પડ્યો નથી તાત્કાલિક ખાડા પુરવાની કામગીરી શરૂ કરો, હવે હું કોઇ પગલાં લેતા ખચકાઇશ નહીં.