ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આવતીકાલે અમદાવાદમાં ઉજવશે જન્માષ્ટમી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપના કેન્દ્રિય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. તેમજ જન્માષ્ટમી પર્વની ઉજવણી અમિત શાહ ગુજરાતમાં કરવાના છે. વસ્ત્રાપુરમાં કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે પરિવાર સાથે દર્શન કરશે. મહત્વનું છે કે, કોઈ પણ મોટા તહેવારમાં અમિત શાહ પરિવાર સાથે ગુજરાત આવી ઉજવણી કરતાં હોય છે.
અમિત શાહનો ગુજરાત પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો
કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેમનો આ પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કેમ કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈ પણ આ પ્રવાસમાં રાજકીય ચોકઠાં પણ ગોઠવાઈ શકે છે.
આ અગાઉ 2 દિવસ હતા ગુજરાત પ્રવાસ પર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગત 23 અને 24 જુલાઇના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા. જેમાં ગાંધીનગર ખાતે તેમણે ગુજરાતમાં E-FIR સેવા અને વિશ્વાસ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. તેમજ 10 હજાર બોડી વાર્ન કેમેરા, અન્ય ટેકનિકલ સાધનો અને એન્ટી હ્યુમન ટ્રાફિંકીંગ યુનિટના 80 વાહનો ગુજરાત પોલીસને અર્પણ કર્યા હતા. માણસા ખાતે સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન અને મહાત્મા ગાંધી પુસ્તકાલયનું નવનિર્મિત ભવન જનતાને અર્પણ કર્યુ હતું. આ ઉપરાંત PM પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત 64માં કેન્દ્રિયકૃત મધ્યાહન ભોજન રસોઈઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે- સાથે ગાંધીનગરમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ રાજ્ય સ્તરીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું ઉદ્ઘાટન કર્યુ હતું.
આ પણ વાંચો : જમ્મુમાં વિધાનાસભા ચુંટણીને લઈને મહત્વના સમાચાર, અન્ય રાજ્યના લોકો પણ કરી શકશે મતદાન
અમદાવાદને રૂ. 210 કરોડની ભેટ અપાયી હતી
ગત 24 જુલાઇના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને રૂ. 210 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. નગરની કળશની સ્થાપના વિધિ પ્રસંગ, બોપલમાં ઔડા દ્વારા અફોર્ડેબલ હાઉસનું લોકાર્પણ, પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ ઓગણજ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત AUDA દ્વારા બોપલમાં તૈયાર કરાયેલ પાણી પુરવઠા યોજનાનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ પણ કર્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત AUDA દ્વારા મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવીનું ઉદ્ઘાટન કરીને વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું પણ અમિત શાહના હસ્તે શિલાન્યાસ કર્યો હતો.