દેશમાં જે રીતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ છે તે એક રાષ્ટ્રીય પર્વની સાથે લોકોના ધંધા રોજગાર માટે પણ ઘણો જ લાભદાયી સાબિત થયો છે. દેશભક્તિના અભિયાને વેપારને પણ વધુ પ્રગતિ કરાવી છે. વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનુ કહેવુ છે કે, રાષ્ટ્રભક્તિ અને સ્વ રોજગાર સાથે જોડાયેલા અભિયાને દેશના લોકો વચ્ચે કો ઓપરેટિવ વેપારની મોટી શક્યતાઓ સર્જી છે.
15 ઓગસ્ટથી લઈ અત્યાર સુઘીમાં જે રીતે લોકોનો રિસ્પોન્સ મળ્યો છે તેના કરતાં વધુ સારો પ્રતિભાવ મળ્યો છે. દેશમાં અપેક્ષા કરતા પણ વધારે 30 કરોડથી વધુ રાષ્ટ્રધ્વજનુ વેચાણ થયુ છે અને તેનાથી 500 કરોડનો બિઝનેસ થયો છે.સંગઠનનુ કહેવુ છે કે, 15 દિવસ દરમિયાન દેશમાં મોટી સંખ્યામાં વેપારી સંગઠનોએ 3000થી વધારે તિરંગા યાત્રાના કાર્યક્રમ યોજયા હતા.જેમાં લોકોએ મોટા પાયે ભાગ લીધો હતો.
આ પણ વાંચો : તમારું જ્ઞાન શું કહે છે : આજે 75 મો સ્વતંત્રતા દિવસ કે 76 મો ?
આ ઉપરાંત ધ્વજ બનાવનાર લોકોએ જણાવ્યું કે, દેશના કારીગરોની અદભૂત ક્ષમતાનો પણ પરિચય દુનિયાને મળ્યો છે.કારણકે તિરંગાની અભૂતપૂર્વ ડીમાન્ડને પૂરી કરવા માટે 20 દિવસમાં 30 કરોડથી વધારે ધ્વજનું પ્રોડક્શન કરાયુ છે. સરકારે ફ્લેગ કોડમાં બદલાવ કરીને પોલિએસ્ટર ઝંડાને પણ સમાવ્યો હોવાથી અને મશીનથી ધ્વજ બનાવવાની પરવાનગી આપી હોવાથી દેશમાં તિરંગા આસાનીથી ઉપલબ્ધ થયા છે.
તેવી જ રીતે જો રોજગારીની વાત કરવામાં આવે તો ગૃહ ઉદ્યોગથી લઈને મોટા ઉદ્યોગોને પણ તેનો વેપાર મળ્યો છે. આ અભિયાને 10 લાખ લોકોને રોજગારી આપી છે. દેશમાં સામાન્ય રીતે આઝાદી પર્વે 100 થી 150 કરોડના રાષ્ટ્રધ્વજનુ વેચાણ થતુ હોય છે પણ આ વખતે 500 કરોડના ધ્વજ વેચાયા છે. જેનાથી આર્થિક મોર્ચે પણ લાભ થયો છે.