બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા કલેકટર આનંદ પટેલની અપીલ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્વત્ર ભારે વરસાદ થઇ રહ્યો છે ત્યારે કોઇપણ પ્રકારના ગભરાહટ ફેલાવ્યા સિવાય વરસાદના પગલે સૌ નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા કલેકટર આનંદ પટેલે અપીલ કરી છે. કલેકટરએ જણાવ્યું છે કે, ગઇકાલથી જિલ્લામાં અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. હજી પણ આવતા ૨૪ કલાક માટે જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જિલ્લામાં લગભગ ૨૦ જેટલાં રોડ પરથી પાણી વહી રહ્યા છે તેના કારણે ડેમેજ થયા છે તેને તાત્કાલિક રિપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે બનાસ નદીમાં પાણીની આવક થઇ રહી છે. બનાસકાંઠાના મુખ્ય ૩ ડેમ દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. દાંતીવાડા ડેમમાં ૮૦ થી ૮૫ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને મુક્તેશ્વર ડેમમાં ૧૫ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે ત્યારે આપણે સૌએ એલર્ટ રહેવાની જરૂર છે. વરસાદની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે જરૂર જણાય તેવા ગામોને એલર્ટ પણ આપવામાં આવશે અને નાગરિકોની તમામ મદદ માટે તંત્ર તૈયાર છે.
કલેકટરએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, ઓવરટોકીંગ થતું હોય, રસ્તાઓ ઉપરથી પાણી પસાર થતું હોય તેવા રસ્તાઓ પર ચાલવાનું ટાળવીએ. આપણો જિલ્લો પ્રકૃતિસભર જિલ્લો છે એટલે પ્રકૃતિનો આનંદ માણવા, સેલ્ફી લેવા નદી, નાળા નજીક જવાનું ટાળીને દુર્ઘટના થતી અટકાવીએ. તેમણે વિનંતી કરી છે આપણે સૌ બિન જરૂરી જોખમ લેવાનું ટાળી વધુ વરસાદવાળા વિસ્તારમાં જવાનું ટાળવીએ અને જોખમ તથા દુર્ઘટનાઓથી દૂર રહીએ.