સેનેટ ચૂંટણી : ભારે વિવાદ વચ્ચે ABVP એ VNSGU માં દબદબો જાળવી રાખ્યો, આપનું ખાતું પણ ન ખુલ્યુ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં સેનેટની ચૂંટણીના મતગણતરી શરૂ થઈ ત્યારથી ભાજપની ABVP અને AAPની યુવા છાત્ર સંઘર્ષ સમિતિ વચ્ચે મામલો ગૂંચવાયો હતો. બંને વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા હતા. તેઓએ યુનિવર્સિટીમાં મુકવામાં આવેલા બેરિકેડ તોડી નાખ્યા અને એકબીજાને માર માર્યા હતા.
આખરે ABVP નો ડંકો વાગ્યો હતો. 12 પૈકી 10 બેઠકો પર એબીવીપી સમર્થિત ઉમેદવારોનો વિજય થયો હતો, જયારે 02 બેઠકો NSUIના ફાળે ગઈ હતી. જેમાં વિદ્યાર્થીના પ્રશ્ન માટે લડત આપતા ભાવેશ રબાઈની શાનદાર જીત થઇ હતી, જયારે આપના યુવા છત્ર સંઘર્ષ સમિતિ ખાતું ખોલાવી શકી ન હતી.
આ પણ વાંચો : CWG-2022માં મેડલ્સ મેળવનાર ગુજરાતના ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત થયા
સેનેટ ચૂંટણીની મતગણતરી દરમિયાન ABVP અને આમ આદમી પાર્ટી સમર્થિત છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) ના કાર્યકરો વચ્ચે નાની અથડામણ થઈ હતી. વિવાદથી શરૂ થયેલી વાત મારામારીમાં ફેરવાઈ ગઈ. જેમાં છાત્ર સંઘર્ષ સમિતિના ધર્મેશ શંકરદાસરીયાને માથાના ભાગે ઈજા થતાં તેમને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. પોલીસે પણ ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓને કાબુમાં લીધા હતા.
CYSS કાર્યકરને માથામાં ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા મતદાન સમયે મારામારી થઈ હતી.