ગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

CWG-2022માં મેડલ્સ મેળવનાર ગુજરાતના ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત થયા

Text To Speech

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેઇમ્સ-2022 માં વિવિધ રમતોમાં મેડલ્સ પ્રાપ્ત કરી ભારત અને ગુજરાતનું વિશ્વમાં ગૌરવ વધારનારા ખેલાડીઓને ગાંધીનગરમાં કુલ 80 લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા ગાંધીનગરમાં આ વિજેતા ખેલાડીઓના સન્માનનો ગૌરવશાળી સમારોહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

Gujarati CWG 2022

ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ વિજેતાઓનું સન્માન

આ માટે મુખ્યમંત્રી અને રાજ્ય મંત્રીએ કોમનવેલ્થ ગેઇમ્સ-2022 માં ટેબલ ટેનિસ રમતમાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિનર ગુજરાતના ખેલાડી હરમિત દેસાઇને રૂ. 35 લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પેરા ટેબલ ટેનિસમાં સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત ભાવિના પટેલને રૂ. 25 લાખ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલને રૂ. 10 લાખની પુરસ્કાર રાશિના ચેક અર્પણ કર્યા હતા.

આ કોમનવેલ્થ ગેઇમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ગુજરાતની બે પ્રતિભાવંત મહિલા ક્રિકેટર યાસ્મિકા ભાટિયા અને રાધા યાદવને પ્રત્યેકને પાંચ લાખ રૂપિયા ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે ઉપસ્થિત ખેલાડીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેલ-કૂદ રમત-ગમત માટે જે નવતર કદમ ઉઠાવ્યા છે અને પ્રોત્સાહનો આપ્યા છે તેનાથી દેશભરના હરેક ખેલાડીનો ઉત્સાહ વધ્યો છે. રમત-ગમત પ્રત્યે જોવાની લોકોની દ્રષ્ટિ બદલાઇ છે અને હરેક રમતોમાં છેક ગ્રામીણ સ્તરે થી પણ પ્રતિભાવંત હોનહાર ખેલાડીઓ વિવિધ રમત-ગમતોમાં ભાગ લેતા થયા છે. એટલું જ નહિ, ભારત હવે રમત-ગમત સહિત હરેક ક્ષેત્રે વિશ્વમાં આગળ વધ્યું છે. મુખ્યમંત્રીએ આ વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ કારકીર્દી અને વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટેની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Gujarati CWG 2022 03

રાજ્યમાં ઉત્તમ પ્રતિભાઓ

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌરવ સહ જણાવ્યું કે, કોમનવેલ્થ ગેઇમ્સમાં આ વખતે ભારત ટોપ-પ માં સ્થાન પામ્યુ છે અને ગુજરાતના ખેલાડીઓએ પોતાના ઉજ્જવળ દેખાવ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે ભારતના વિજય વાવટા વિશ્વના ખેલાડીઓ સમક્ષ લહેરાવ્યા છે. તેમણે ક્હ્યુંકે, રાજ્યના ખેલાડીઓને સતત પ્રોત્સાહન મળતું રહે અને ગુજરાત રમતોમાં પણ અગ્રીમ રહે તેવી નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સરકારે રમત-ગમત ક્ષેત્રના બજેટમાં વધારા સહિત ખેલાડીઓ માટે અનેકવિધ સુવિધાઓ આપી છે.

હર્ષ સંઘવીએ એમ પણ જણાવ્યું કે, આવનારા દિવસોમાં 36 મી નેશનલ ગેઇમ્સનું યજમાન બનવા પણ ગુજરાત સજ્જ છે અને નવરાત્રિના દિવસોમાં યોજાનારા આ રમતોત્સવમાં દેશના વિવિધ રાજ્યોના ખેલાડીઓ રમતો સાથે સાથે ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ સમા ગરબા પણ માણી શકે તેવું આયોજન મુખ્યમંત્રીના દિશા નિર્દેશનમાં થઈ રહ્યું છે. તેમજ તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ આપેલા હર ઘર તિરંગા અભિયાનના આહવાનમાં ગુજરાતે ઉત્સાહભેર ભાગ લીધો તેમજ જ્યારે કોમનવેલ્થમાં આ ખેલાડીઓ મેડલ્સ લેવા જતા કે વિજેતા જાહેર થતા ત્યારે તિરંગો વિદેશની ધરતી પર પણ લહેરાવી લોકોને મા ભારતીના આ ખેલાડીઓનું અદકેરૂં સન્માન કર્યુ હતું.

Gujarati CWG 2022 02

આ ગૌરવશાળી સમારોહમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ. અર્જુનસિંહ રાણા, સંયુકત સચિવ શ્રી પટેલ તેમજ વિવિધ રમતોના પ્રતિભા સંપન્ન ખેલાડીઓ, કોચ અને ખેલકૂદ પ્રેમીઓ તેમજ વિજેતા ખેલાડીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button