સુરતના સણીયામાં બસમાં પાણી ઘૂસ્યાં, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા; 20નું રેસ્ક્યુ કરાયું
સુરતઃ ભારે વરસાદના કારણે સણીયા હેમાદ ગામમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે રાત્રીના સમયે અહીંથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની બસ ફસાઈ ગઈ હતી. આ બનાવની જાણ ગામજનોને થતા 5 ફૂટ જેટલા પાણીમાં બસમાંથી 20 જેટલા મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ગામમાં 5 ફૂટ જેટલાં પાણી ભરાયા
સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખાડીઓના લેવલ પણ વધ્યા છે. તો બીજી તરફ સણીયા હેમાદ ગામમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. ગામમાં આવેલું ખોડીયાર માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. અહીં પાણી ભરાઈ જતા ગામજનોને ભારે હાલાકી પડી રહી છે. આ દરમિયાન રાત્રીના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસ અહીંથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન પાણીમાં બસ ફસાઈ ગઈ હતી. જેને લઈને બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.
બોટ દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
આ ઘટના અંગે ગામમાં રહેતા પૃથ્વીરાજ સિંહએ જણાવ્યું હતું કે, ‘રાતે 10 વાગ્યાની આસપાસ બસ ફસાયાની જાણ બસ માલિકે અમને કરી હતી. જેથી અમે ગામજનો ભેગા થઈને ત્યાં પહોંચ્યા હતા. આ બનાવની જાણ અમે ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયર વિભાગની ટીમ પણ અહીં આવી હતી. બસમાં પાણી ભરાઈ ગયા હતા. બસમાં 20 જેટલા મુસાફરો હતા. તે તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. તમામ લોકોનું સહી સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બસ ચાલક અને કંડકટરની બેદરકારીને લઈને લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા.