શ્રાવણ માસની કૃષ્ણા છઠ્ઠ એટલે રાંધણ છઠ્ઠ. આ દિવસે માતાઓ બહેનો ગૃહિણીઓ ઠંડી રસોઈ બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે તેને આરોગે છે. આ તહેવારમાં ઠંડુ ખાવાનું ખૂબ જ મહત્વ છે. તેને આધ્યાત્મિક રીતે અને વૈજ્ઞાનિક રીતે ખુબ જ ફાયદાકારક ગણાવવામાં આવ્યું છે. ત્યારે આજે અમે તમને કેટલીક વાનગીઓ કે જે આપ રાંધણ છઠ્ઠના બનાવીને તેને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના ખાઈ શકો છો.
બદામ-કાજુની બરફી
સામગ્રી : ૧૦૦ ગ્રામ બદામ, ૧૦૦ ગ્રામ પિસ્તા, ૧૦૦ ગ્રામ કાજુ, ૧૦ ગ્રામ એલચી, જોઈતા પ્રમાણમાં કેસર, ૪૦૦ ગ્રામ ખાંડ, ૨૦૦ ગ્રામ માવો, ધી.
રીત : (૧) બદામનાં છોડાં કાઢીને પિસ્તા, કાજુ વગેરે બધું ભેગું કરીને મશીનમાં ઝીણું વાટવું. (૨) ખાંડની ચાસણી બરફી મુજબ બનાવવી. તેમાં માવો, વાટેલો ભૂકો નાખી બે ચમચા ઘી નાખવું, તેમજ કેસર નાખીને થાળીમાં ઠારી, ઉપરથી વરખ ચોંટાડવા. (૩) પછી ચક્તાં પાડીને ડિશમાં ગોઠવવું.
ગાજરની બરફી
સામગ્રી : ૪૦૦ ગ્રામ ગાજર, ૪૦૦ ગ્રામ ખાંડ, ૨૫૦ ગ્રામ માવો, ૫૦ ગ્રામ કોપ્, ૫૦ ગ્રામ ઘી, ચાંદીનો વરખ.
રીત : (૧) ગાજરને છોલીને છીણો, કોપરાને ખમણો. બંનેને અલગઅલગ સાંતળવા. (૨) અઢીતારી ચાસણી કરી, તેમાં બંનેને નાખીને હલાવવા. પછી માવો નાખવો. થાળીમાં પાથરી દો. (૩) તેની ઉપર વરખ લગાવીને ચકતાં કરવાં.
ખારેકની બરફી
ખાંડનો શીરો
સામગ્રી : ૫૦૦ ગ્રામ રવો, ૫૦૦ ગ્રામ ઘી, ૫૦૦ ગ્રામ ખાંડ, ૧ લિટર દૂધ, ૨૦ ગ્રામ લાલ દ્રાક્ષ, ૧૦ ગ્રામ એલચી, ૨૦ગ્રામ ચારોળી, ૧૦ ગ્રામ બદામ.
રીત : (૧) કલાઈવાળી મોટી તપેલી લઈ તેમાં બધું ઘી મૂકી તેમાં રવો નાખી શેકવો. (૨) થોડીવારે જરા રતાશ પડતો હલકો થાય ત્યારે તેમાં લાલ દ્રાક્ષ નાખવી અને આશરે દોઢ લિટર દૂધ ઊનું કરીને તેમાં રેડી દેવું. (૩) બધું બળી જાય પછી ખાંડ નાખી શીરો હલાવવો. ખાંડનું પાણી બળી જાય એટલે ઘી દેખાવા માંડશે. (૪) પછી ઉપરથી એલચી, ચારોળી, સમારેલ બદામ વગેરે હોય તે ભભરાવી દેવાં.
સેવની લાપસી
સામગ્રી : ૫૦૦ ગ્રામ સેવ, ૨૨૫ ગ્રામ ઘી, ૫૦૦ ગ્રામ ખાંડ, એલચી, લાલ દ્રાક્ષ.
રીત : (૧) સેવને ભાંગી નાખીને ઘીમાં સાંતળવી. (૨) જરા રતાશ પડતી થાય એટલે તેમાં દ્રાક્ષ નાખી ૪૦૦ મિલિ આશરે પાણી રેડવું અને હલાવી ઉપરથી ખાંડ પાથરી દેવી. (૩) ખાંડનું પાણી થઈ જાય અને બધું પાણી બળી જાય પછી સેવ છૂટી પડી જશે. ઉ૫૨થી એલચી નાખવી.
ગોળની લાપસી
સામગ્રી : ૫૦૦ ગ્રામ ઝીણી લાપસી, ૩૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ ગ્રામ ઘી, ગા વાટી કોપરાનું ખમણ, ૧૦ ગ્રામ ખસખસ.
રીત : (૧) તપેલીમાં ઘી મૂકી તેમાં લાપસી શેકવી અને પછી માપ હોય તે પ્રમાણે ગરમ પાણી રેડી સીઝવા દેવી. (૨) બરોબર દાણો બફાય ત્યારે ગોળ નાખી તેને પાણી બળી રહે ત્યાં સુધી ઓછે તાપે મૂકી રાખવી. (૩) ઉતારતી વખતે ખસખસ અને કોપરું નાખવા. (૪) જરૂર પડે તો જમતી વખતે ઉપરથી ઘી અને બૂરું (દળેલી ખાંડ) લેવાં.
સીંગદાણાનો મેસુર
સામગ્રી : ૨૫૦ ગ્રા. સીંગદાણા, ૨૦૦ ગ્રા. ઘી, ૨૫૦ ગ્રા. ખાંડ, એલચી, કેસર.
રીત : (૧) સીંગદાણાને શેકી, ફોતરાં કાઢી તેનો ભૂકો કરો. (૨) ખાંડની ચાસણી બનાવી તેમાં સીંગદાણાનો ભૂકો નાખી ઘી રેડી હલાવો. (૩) તેમાં એલચીનો ભૂકો અને કેસર નાખી થાળીમાં પાથરો. ઠર્યા પછી તેના ટુકડા કરો.
કોપરાપાક
સામગ્રી : ૫૦૦ ગ્રા. કોપરા છીણ, ૫૦ ગ્રા. દૂધ, ૨૦૦ ગ્રા, માવો, ઘી, ચાંદીનો વરખ, ૧૫૦ ગ્રા. ખાંડ, એલચી-ચારોળી.
રીત : (૧) કોપરાના છીણને ઘીમાં શેકો. પછી તેમાં ખાંડ અને દૂધ નાખો. તે ઘટ્ટ થાય એટલે ઉતારી, ઠંડુ પડે તેમાં માવો અને એલચીનો ભૂકો નાખો. (૩) થાળીમાં ઘી લગાવી તે પાથરી દો. તેના ઉપર ચારોળી નાખ્યા પછી ચાંદીનો વરખ લગાવો. થોડીવાર પછી તેનાં ચકતાં કરો.
શીંગોડાની બરફી
સામગ્રી : ૫૦૦ ગ્રા. શીંગોડા, ૧૦૦ ગ્રા. માવો, એલચી,બદામ, ૨૫૦ ગ્રા. ખાંડ, ઘી, ૫૦ મિલિ દૂધ, એસેંસ, પિસ્તા.
રીત : (૧) શીંગોડાને બાફી, છાલ ઉતારી તેનો મસળીને માવો કરી માવાને સાંતળી બદામી રંગ પકડે એટલે દૂધ નાખો. (૨) દૂધને બળવા દર્દી માવાને અને દૂધને હલાવતાં રહો. (૩) ખાંડની બેતારી ચાસણી કરી તે આ માવો, એલચીનો ભૂકો અને એસેંસ નાખો. (૪) ઘી લગાવેલ થાળી તે પાથરી તેના ઉપર બદામ-પિસ્તાની કાતરી પાથરો. ઠંડુ પડે ચકતાં કરો.
ફણગાવાળા ચણા
સામગ્રી અને રીત : (૧) ફણગાવાળા ચણાને દૂધ-પાણી કરી તેમાં બાફવા મૂવાં. (૨) ગોળ, હળદર અને આમલીનું પાણી નાખવું. (૩) બે ચમચા ચણાની દાળના લોટને તેલમાં આછો શેકી તેમાં પાણી રેડી એકરસ કરી ચણામાં રેડી દેવું. (૪) ચણા થોડીવાર સગડી પર રહેવા દેવાથી તેનો રસ ઘટ્ટ બનશે. (૫) ઉપરથી તેલ-હિંગ ભભરાવવું. આ રીતે ફણગાવાળા ચણા રવાદિષ્ટ બને છે.
ફણગાવાળા મઠ
સામગ્રી અને રીત : (૧) તેલમાં હિંગ અને આખા મરચાંનો વઘાર મૂકી મઠને બે-ત્રણ પાણીથી ધોઈ વધારવા. તેમાં મઠ ડૂબે એટલું પાણી રેડવું. (૨) જરા ખારો, પ્રમાણસર મીઠું નાખી તેને ઢાંકી રાખવા. (૩) મઠ સારા બફાય એટલે તેમાં આદું-મરચાં, હળદર, હિંગ, ખાંડ અને આમલીનું પાણી અથવા લીંબુનો રસ નાખવો.
ફણગાવાળા મગ
સામગ્રી અને રીત : (૧) તપેલીમાં તેલ, હિંગ, લીંબુ, મરચાનો વધાર મૂકી મગને બે-ત્રણ પાણીએ ધોઈ વધારવા. (૨) તેમાં મીઠું, આદુંમરચાં, હિંગ અને જરા ખારો નાખી મગના પ્રમાણમાં પાણી રેડવું. (૩) દાણો ચડી જાય પછી કોપરાનું ખમણ નાખવું જેથી દાણો છૂટો રહેશે. મગ ચોટે એટલે ઉતારી લેવા.
ઓસામણ
બનાવવાની રીત : દાળના પાણીને ઓસામણ કહે છે. દાળ ચડે ત્યારે ઉપરનું પાણી નિતારી લઈ તેમાં લીંબુ, ગોળ, મીઠું, હળદર, કોથમીર, કોપરાનું ખમણ, હિંગ વગેરે નાખી તેમાં જીરાનો ઘીમાં વઘાર કરવો.
અળવીના દાંડાના મૂઠિયા
સામગ્રી અને રીત : (૧) ૩૦૦ ગ્રામ અળવીનાં દાંડા હોય તો ૨૫૦ ગ્રામ જાડો લોટ લેવો. (૨) દાંડાને છોલીને ઝીણા સમારી તેમાં ૧૦ ગ્રામ વાટેલું મીઠું ચોળવું. (૩) લોટમાં ૫૦ ગ્રામ તેલ, પ્રમાણસર મીઠું, બે ચમચી ધાણાજીરું, બે ચમચી ખાંડ અને હિંગ નાખી લોટ તૈયાર કરવો. (૪) તેમાં દાંડા નિચોવી નાખવા. તેનાં મોટાં મૂઠિયા બફાઈ જાય એટલે તેને વધારી અથવા તળીને ઉપયોગમાં લેવાં.
સૂકી મેથીના મૂઠિયા
સામગ્રી અને રીત : (૧) ૪૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ હોય તો ૧૦ ગ્રામ સૂકી મેથી લઈ પાણીમાં લાલ શેકી તેનો ભૂકો કરવો. (૨) મેથીનો ભૂકો અને ૫૦ ગ્રામ તેલનું મોણ લોટમાં નાખી જોઈતા પ્રમાણમાં ઝાણું મીઠું, બેથી ત્રણ ચમચી ખાંડ, બે ચમચી મરચાંની ભૂકી, હિંગ, એક ચમચી હળદર અને ત્રણથી ચાર ચમચી ધાણાજીરું તેમાં નાખવાં. (૩) પછી દહીં નાખી કઠણ બાંધવાં. તેનાં નાનાં મૂઠિયાં વાળી પછી તળવાં.
પાપડીના મૂઠિયા
સામગ્રી અને રીત : (૧) ૧૦૦ ગ્રામ પાપડીના રેસા ઉતારી તેને સાફ કરવી. (૨) ૧૦૦ ગ્રામ પાપડી હોય તો દસ ગણી મેથીની ભાજી લેવી. (૩) તપેલીમાં ૧૦૦ ગ્રામ તેલમાં ખારો ને બે વાટકી પાણી મૂકી પાપડી ધોઈને નાખી દેવી. (૪) ૩૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ લઈ, તેમાં મૂઠ્ઠી પડતું મોણ દઈ તેમાં વાટેલું મીઠું, મરચાંની ભૂકી, હિંગ, બે ચમચી ધાણાજીરું, એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ નાખવાં. લોટને હલાવી ચોળી નાખવો. (૫) તેમાં મેથીની ભાજીને સમારી, ધોઈને નાખી દેવી. મેથીની ભાજી સાથે પાલખની ભાજી પણ નાખી શકાય છે. (૬) બધા લોટને હલાવી તેનાં મૂઠિયા વળાય તે પ્રમાણે પાણી રેડવું. તેનાં મૂઠિયા વાળવાં. (૭) પાપડી ચડવા આવે એટલે તેમાં મૂઠિયા મૂકી દેવાં. (૮) પાણીમાં પ્રમાણસર મીઠું, લીલાં અથવા સૂકાં મરચાં, એક ચમચી ખાંડ અને હિંગ નાખી પાપડી અને મૂઠિયાને ચડવાં દેવાં. બંને ચડે એટલે તેમાં ઉપરથી કોથમીર, લીલું લસણ અને થોડું તેલ નાખવાં. વાલોળમાં મઠિયા પણ આ જ રીતે મૂકી શકાય છે.
ઘઉંના પરોઠા
સામગ્રી : ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ, તેલ, મીઠું, ઘી. રીત : (૧) ઘઉંના લોટમાં ચાર ચમચી મોણ અને સહેજ મીઠું નાખી, કઠણ કણક બાંધી, નાની રોટલી વણો. (૨) તેને સહેજ થી ચોપડી, આછો લોટ ભભરાવી, ફરી બેવડીવાળી દઈ, લોટમાં બોળીને, વણીને મોટી કરી અને તવી પર નાખો. (૩) તવી પર બીજી વાર ઉથલાવી, ચારે તરફથી ઘી મૂકી શેકો. (૪) ફરી ઉથલાવો અને ફરી ઘી મૂકો.સહેજ લાલાશ પડતી થાય એટલે વચ્ચેથી વાળી દઈ, શેકતા જાઓ. પછી ફરી પાછી વાળી દો. આથી શંકુ આકારનો પરોઠો બની જશે.
મસાલાપૂરી
સામગ્રી અને રીત : (૧) ૫૦૦ ગ્રા. ઘઉંનો ઝીણો લોટ લઈ તેમાં ૧૦૦ ગ્રામ ચણાનો લોટ ભેળવવો. (૨) તેમાં વાટેલું જીરું, મીઠું અને મરીનાં તાંદળાં નાખી પૂરી પ્રમાણે મોણ દઈ લોટ બાંધવો. (૩) તેના પાંચ-છ મોટા લૂઆ બનાવી આખળિયા પર મોટી ભાખરી વણવી. (૪) ભાખરી પર ઘી લગાવી ઉપર ચોખાનું અટામણ ચોપડવું. (૫) ભાખરીનો ગોળ વીંટો વાળી ચપ્પુ વડે કાપી તેના પૂરી મુજબ લૂઆ પાડવા. (૬) તેને વણી દરેક પૂરી પર વેલણના છેડા વડે ચાર-પાંચ ગોબા પાડી તેલમાં તળવી.
ગોબાપૂરી
સામગ્રી અને રીત : (૧) ૫૦૦ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ ચણાનો લોટ, મેંદામાં વાટેલું જીરું, મીઠું અને ઘીનું મોણ નાખી પૂરી પ્રમાણે લોટ બાંધવો. (૨) ચણાના લોટમાં વાટેલા મરી અને મીઠું નાખી તેનો લોટ બાંધવો. (૩) મેંદાના લોટનાં પૂરી મુજબ લૂઆ લઈ લૂઆનું કોડિયું બનાવી વચ્ચે થોડા ચણાના લોટનો લૂઓ દાબીને પાતળી પૂરી વણવી. (૪) ગોબા પાડી પૂરી તેલમાં તળવી.
ગોળપૂરી