કાલે CM રાજકોટમાં, રામાયણની ઝાંખી કરાવતા રામવનનું કરશે લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રામ વન – અર્બન ફોરેસ્ટ, ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, 23 ઇલેક્ટ્રિક બસોનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કાલે બપોરે 3:30 કલાકે રામ વન, કિશાન ગૌશાળા રોડ, આજી ડેમ પાસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. તેમ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતન પટેલ, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્વામી, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યું છે.
28 ઓગસ્ટ સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ
રામવનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. 28 ઓગસ્ટ સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજીડેમ નજીક 47 એકર જમીનમાં રામ વન અર્બન ફોરેસ્ટ કુલ રૂ. 13.77 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેમાં રૂ. 1.61 કરોડના ખર્ચે ભગવાન શ્રીરામના જીવન પર જુદી જુદી પ્રતિકૃતિ મુકવામાં આવી છે. આ ઉપરાંત 80,000 જેટલી પ્રજાતિના 25 જેટલા બ્લોકમાં જે પૈકી 2 બ્લોકમાં મીયાવાકી થીમ બેઇઝ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.
અન્ય શું ભેંટ શહેરીજનોને આપશે મુખ્યમંત્રી ?
આ ઉપરાંત 80 ફુટ રોડ ખાતે રૂ. 11.63 કરોડના ખર્ચે 15200 ચો, મી.માં ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ચાર્જીંગ સ્ટેશનમાં 3100 વોટનું HT વીજ કનેક્શન, 2500 વોટના 2 ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, 240 કિલો વોટના 14 ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વિગેરે સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. મહાનગરપાલિકાએ પ્રથમ તબક્કાએ 50 ઇલેક્ટ્રિક બસ મંજુર કરવામાં આવી હતી. જે પૈકી અગાઉ 23 બસનું લોકાર્પણ કરવામાં આવેલ. આ ઇલેક્ટ્રિક બસો BRTS રોડ પર તથા 1 ઇલેક્ટ્રિક બસ AIIMS ના રૂટ પર ચલાવવામાં આવે છે. આવતીકાલે વિશેષ 23 મીડી ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં કુલ 27 મુસાફરો માટે આરામદાયક બેસવાની સુવિધા રહેશે. ઇ-બસમાં ફૂલી ઓટોમેટિક પ્રવેશ દ્વારા તથા ઇમરજન્સી દ્વારા, મુસાફરોની સલામતી માટે SOS EMERGENCY ALERMની સુવિધા, કેમેરા, મનોરંજન માટે રેડીઓ સિસ્ટમ વિગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે શહેરના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવશે. જેમાં વોર્ડ નં. 15, 17, 18માં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, વોર્ડ નં. 14 ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ ક્વોલીટી કંટ્રોલની લેબોરેટરીનું લોકાર્પણ અને વોર્ડ નં.3 અને 4માં વોર્ડ ઓફીસ, રેલનગર વિસ્તારમાં ESR-GSR અને વોર્ડ નં. 2માં બજરંગવાડી ખાતે આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત કરવામાં આવશે.
પૂર્વ રાજ્યપાલ, પૂર્વ મુખ્યમંત્રી સહિતનાઓ રહેશે ઉપસ્થિત
આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટના પ્રભારી મંત્રી તથા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ જુદી જુદી સમિતિના કોર્પોરેટરોે, અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહેશે.