કાલે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો ભવ્ય લોકમેળો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કાલે સાંજે પાંચ કલાકે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો ભવ્ય ‘આઝાદીનો અમૃત લોકમેળો’ ખુલ્લો મુકવામાં આવશે. સતત પાંચ દિવસ મેળો યોજાશે. બે વર્ષ બાદ રાજકોટમાં થતા સૌરાષ્ટ્રના લોકમેળાને માણવા રંગીલા રાજકોટવાસીઓ સહિતના લોકો ઉત્સાહિત છે. કોરોનાકાળમાં બે વર્ષ વેપારીઓએ જે નુકસાન વેઠ્યુ હતુ તે સંભવત: ભરપાઇ થવાની આશાએ 44 જેટલા યાંત્રિક રાઇડસના પ્લોટ, મોતનો કુવો, ફઝત, ટોરાટોરા જેવી રાઇડસ આકર્ષણ જમાવશે. આ વર્ષે રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ સારો પડ્યો છે તેથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. ગ્રામ્ય પ્રજા મેળાની રંગત માણવા સાતમથી ઉમટી પડશે.
કોણ – કોણ રહેશે ઉપસ્થિત ?
અત્રે એ ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે મહાનુભાવોમાં મંત્રી જીતુભાઇ વાઘાણી, રાઘવજીભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, બ્રિજેશ મેરજા, આર.સી. મકવાણા, મેયર પ્રદીપ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર, સંસદ સભ્યોમાં મોહનભાઇ કુંડારિયા, રમેશભાઇ ધડુક, રામભાઇ મોકરિયા, ધારાસભ્યોમાં ગોવિંદભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળિયા, જયેશભાઇ રાદડિયા, લાખાભાઇ સાગઠિયા, ગીતાબા જાડેજા, લલિતભાઇ વસોયા, મોહમદ જાવેદ પીરઝાદા, લલિતભાઇ કગથરા, રૂત્વિકભાઇ મકવાણા વિગેરે ઉપસ્થિત રહેશે. 17 ઓગષ્ટથી 21 ઓગષ્ટ સુધી સમગ્ર સૌરાષ્ટ્ર મેળામય બની જશે.
લોકમેળામાં દૈનિક આશરે રૂ. 4થી પ કરોડના વેપારની આશા
સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાતા રાજકોટના લોકમેળાનું જિલ્લા વહિવટી તંત્રની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે પણ લોકમેળાને આખરી ઓપ આપવા માટેની તમામ તૈયારીઓ તંત્ર તરફથી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર સહિતના પ્રાંત અધિકારીઓએ મેદાનની મુલાકાત લીધી હતી. સિટી પ્રાંત-1ના ડે. કલેકટર ચૌધરી, નાયબ મામલતદાર દુલેરા, વર્ષાબેન વેગડા, મીરા જાની, બકુલ પરમાર, ફિરોઝભાઇ વાછાણી સહિતની ટીમ દ્વારા છેલ્લા એક મહિનાથી લોકમેળાની તૈયારીઓ કરી રહ્યા હતા. દરમિયાન બે વર્ષ બાદ યોજાતા લોકમેળાના વિવિધ ધંધાર્થીઓને અંદાજે દૈનિક રૂ. 4થી પ કરોડના વેપાર થવાની આશા છે. લોકમેળામાં વરસાદી પાણીના પગલે કાદવ થઇ જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઠેરઠેર મોરમ પાથરી દેવામાં આવી છે. લોકોને હરવા-ફરવામાં મુશ્કેલી ન પડે તેની તકેદારી રખાશે.