બનાસકાંઠા,પાટણ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી,નદી કાંઠાના ગામ એલર્ટ પર
પાલનપુર: રાજસ્થાનના માઉન્ટ આબુ અને આબુરોડ વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળામાં પાણીના પ્રવાહનો વધારો થયો છે. જેને લઈને અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. જ્યારે ડુંગરાળ તેમજ અન્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે બનાસ નદીના પાણીમાં વધારો થતા અમીરગઢ મામલતદાર દ્વારા TDO, PSI તેમજ નદી કાંઠાના ગામના સરપંચોને સુચના આપવામાં આવી છે. જેમાં નદી કાંઠાના ગામોના લોકોને નદીના પટમાં ના ઉતરવા તાકીદ કરવામાં આવી છે.
બનાસ નદીમાં પાણી વધવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. હાલમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં દાંતીવાડા ડેમમાં 15,000 ક્યૂસેક પાણીની આવકનો નોંધાઇ રહી છે. જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.