ડીસામાં ત્રણ મકાન ધરાશાયી, રાણપુર રોડ બેટમાં ફેરવાયો, લોકોના ઘરમાં પાણી ઘૂસતા હાલાકી
પાલનપુર: સાના હરસોલીયાવાસમાં ત્રણ મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. ચોમાસામાં ભારે વરસાદને પગલે ગટરમાં ચોમાસાના પાણીનો પ્રવાહ વધતા બાજુમાં આવેલ ત્રણ મકાનો ધરાશાયી થયા હતા. મકાન ધરાશાયી થતા માલિકોને લાખો રૂપિયાનો નુકસાન વેઠવું પડ્યું છે. જ્યારે રાણપુર રોડ વરસાદી પાણીના પગલે બેટમાં ફેરવાઈ ગયો હતો. રોડની આજુબાજુ આવેલા મકાનોમાં વરસાદી પાણી ઘુસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રેજીમેન્ટ વિસ્તારમાં અસંખ્ય મકાનોમાં પાણી ઘુસી ગયા
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. ડીસાના હરસોલિયા વાસમાં પણ મુખ્ય ગટર લાઈન પાસે આવેલ ત્રણ મકાનો ધરાશાયી થયા હતા. એક અઠવાડિયાથી સતત વરસતા વરસાદના કારણે મુખ્ય ગટર લાઈનમાં ચોમાસાના પાણીનો પ્રવાહ વધ્યો હતો. અને તેના કારણે ગટરની દીવાલને અડીને આવેલ મુકેશભાઈ લુહાર, બાબુભાઈ પંડ્યા અને કિશનલાલ દિનકરના ત્રણ મકાનની મુખ્ય દીવાલો અને સંડાસ,બાથરૂમ સહિત મકાનનો મોટાભાગ ધરાશાયી થઈ ગયા હતા . સબનસીબે જાનહાની ટળી હતી. પરંતુ મકાનની દિવાલો ધરાશાયી થતા ઘરવખરીને પણ નુકસાન થયું છે. ત્રણેય મકાનમાલિકોને અંદાજિત ત્રણથી ચાર લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. બનાવને પગલે વોર્ડ નંબર 6 ના નગરસેવક નયનાબેન સોલંકી અને પૂનમબેન ભાટી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને અસરગ્રસ્ત મકાન માલિકોને સાંત્વના આપી નગરપાલિકા વતી બનતી મદદ કરવાની ખાત્રી આપી હતી.
ભારે વરસાદથી હરસોલિયા વાસમાં મકાન તૂટી પડ્યા હતા
જ્યારે મોડી રાતથી અને સવારે થયેલા ભારે વરસાદથી ડીસા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો અનેક રોડ પણ બેટમાં ફેરવાયા છે. ઘરોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ અહીંનો રાણપુર રોડ પણ બેટમાં ફેરવાઇ ગયો હતો જેને લઈને વાહન ચાલકો માટે પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. જર ઘરોમાં પાણી ભરાયા છે તે પરિવારોની હાલત કફોડી બની ગઈ છે. ઘરમાં રહેલો સામાન પલળી ગયો છે. જેથી મકાન માલિકોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. જ્યારે ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તા તેમજ ખેતરોમાં પણ પાણી ભરી ગયા છે. જેથી કેટલાક ખેડૂતોને ચોમાસું મગફળીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
હજુ પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.