15 ઓગસ્ટકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટ : તરઘડી ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ૭૬મા “સ્વાતંત્ર્ય દિન”ની ઉજવણી કરાઈ

Text To Speech

આઝાદીના ૭૬માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામે જવાહર નવોદય વિદ્યાલય ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાધાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના “સ્વતંત્રતા પર્વ” ની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી વાઘાણી દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે નાગરિકો પાસે જઈને સ્વતંત્રતા પર્વનું અભિવાદન ઝીલ્યું હતું. સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવતાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, નામી-અનામી લોકોના બલિદાનના કારણે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. વીર સપૂતોના બલિદાનમાંથી પ્રેરણા લઈને નવભારતના સંકલ્પને સાકાર કરવાનું આપણું કર્તવ્ય બને છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટવાસીઓને શુભેચ્છા આપતા વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના કેન્દ્રબિંદુ સમા રાજકોટે “હર ઘર તિરંગા” અભિયાનને ઉમળકાભેર ઉજવીને અનેરો ઉત્સાહ બતાવ્યો છે. રાજકોટની મહેનતુ પ્રજા વિવિધ ક્ષેત્રે વિકાસ સાધીને અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બની છે. આજે રાજકોટે એઇમ્સ, આધુનિક આરોગ્ય સુવિધાઓ, ઔદ્યોગિક ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રે અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.

વહીવટી તંત્ર દ્વારા વિશિષ્ટ કામગીરી કરનારા ૩૫ નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું
ઉપરાંત, રાજકોટ જિલ્લાના અવિરત વિકાસ કામો માટે કલેકટર અરુણ મહેશ બાબુને રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા વિશિષ્ટ કામગીરી કરનારા ૩૫ નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રી જીતુભાઈના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ અભિયાન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સખી મંડળની બહેનો દ્વારા આજીવિકા મિશન, આરોગ્ય વિભાગ દ્વારા પી.એમ.જે.વાય, લીડ બેંક દ્વારા ૨૪ કલાક ATM – મોબાઈલ ATM સુવિધા, શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માનધન પેન્શન યોજના અને ઈ-શ્રમ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષાને અનુલક્ષીને ટેબલોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ન્યૂ એરા અંગ્રેજી માધ્યમ સ્કૂલ, સેન્ટ ગાર્ગી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ક્રિસ્ટલ સ્કૂલ, ઉકરડા પ્રાથમિક શાળા અને કોસ્મિક વિદ્યા સંકુલ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે જવાહર નવોદય વિદ્યાલયના આશરે ૨૩૬ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ૨૦૦ ફૂટ લાંબા અને ૬ ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે કૂચ કરવામાં આવી હતી. નોંધનીય છે કે સાંસ્કૃતિક કૃતિમાં પ્રથમ ક્રમે કોસ્મિક સંકુલ, બીજા ક્રમે જવાહર નવોદય વિદ્યાલય, ત્રીજા ક્રમે ક્રિસ્ટલ સ્કૂલ તેમજ ટેબલો નિદર્શનમાં પ્રથમ ક્રમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બીજા ક્રમે આઈ.સી.ડી.એસ અને ત્રીજો ક્રમ મેળવનાર આરોગ્ય વિભાગને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેમજ પરેડ કમાન્ડર પી. એચ. જાડેજાની આગેવાની હેઠળ કુલ ૬ પ્લાટુને ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે પી. આઈ. બી. ટી. અકબરીના નેતૃત્વના પુરુષ પોલીસ પ્લાટુન નં.૧, બીજા ક્રમે પી. એસ. આઈ.  એન. આર. કદાવલા નેતૃત્વના મહિલા પોલીસ પ્લાટુન નં.૪ અને ત્રીજા ક્રમે પી. એસ. આઈ. એચ. આર. જાડેજાના નેતૃત્વના પુરુષ પોલીસ પ્લાટુન નં.૩ને સન્માનિત કરવામાં આવી હતી.

Back to top button