ક્યાંથી ભણે ગુજરાત? જાણો છેલ્લા બે વર્ષમાં કેટલી સરકારી પ્રાથમિક શાળા થઈ બંધ


ગાંધીનગર, તા. 27 માર્ચ, 2025: ગુજરાત વિધાનસભા બજેટ સત્રને હવે એક જ દિવસ બાકી રહ્યો છે. આજે રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવા બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ પ્રધાને જવાબ આપ્યો હતો.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 25-02-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કયા જિલ્લામાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી અને તેના શું કારણો છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા પ્રધાને કહ્યું, અમરેલીમાં 6, અરવલ્લીમાં 7, ભાવનગરમાં 1, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 1, દેવભૂમિ દ્વારકામાં 9, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 2, જુનાગઢમાં 4, ખેડામાં 2, કચ્છમાં 3, મહેસાણામાં 1, નવસારીમાં 2, પંચમહાલમાં 1, પોરબંદરમાં 6, રાજકોટમાં 3, સુરતમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 પ્રાથમિક સરકારી શાળા બંધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોવાથી અથવા પૂરતી સંખ્યા ન હોવાના કારણે બંધ કરવામાં આવી હતી.
વિધાનસભામાં સરકારે આપેલી માહિતી પ્રમાણે સુરતમાં તેલુગુ માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓ સંખ્યા શૂન્ય હોવાથી બંધ કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગરમાં પણ શાળામાં વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો થતાં બંધ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દર વર્ષે જુન-જુલાઈ મહિનામાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે પ્રવેશોત્સ ઉજવવામાં આવે છે ત્યારે સરકારે વિધાનસભામાં કરેલી કબૂલાત ચોંકાવનારી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ: બે વર્ષમાં 4600થી વધુ બાળકોને હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર સમસ્યા