ગુજરાતના આ જિલ્લામાં 9માંથી 8 તાલુકામાં જન્મદર કરતાં મૃત્યુદર ઊંચો, ચિંતાનો વિષય


- જિલ્લામાં એક વર્ષમાં અંદાજિત 21 હજાર જન્મ પ્રમાણપત્ર ઇશ્યુ થયા
- જન્મ અને મરણના ઇશ્યુ કરાતાં પ્રમાણપત્રમાં પાંચ ગણી ફી વધારી
- જિલ્લામાં 20810 બાળકોના જન્મ અને 12889 લોકોના મૃત્યુ થયા
જન્મ-મરણ નોંધણીની ફીમાં તોતિંગ વધારો કર્યો છે. આ ફી વધારાથી સરકારની તિજોરીને લાખો રૂપિયાની આવક થશે, પરંતુ લોકોને સુખ અને દુઃખ પ્રસંગમાં પણ વધુ રકમ ચૂકવવી પડશે. છેલ્લા એક વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં 9માંથી 8 તાલુકામાં જન્મ કરતાં મૃત્યુદર વધુ નોંધાયું છે.
જિલ્લામાં એક વર્ષમાં અંદાજિત 21 હજાર જન્મ પ્રમાણપત્ર ઇશ્યુ થયા
જૂનાગઢ જિલ્લામાં એક વર્ષમાં અંદાજિત 21 હજાર જન્મ પ્રમાણપત્ર ઇશ્યુ થયા છે. તેની સામે અંદાજિત 13 હજાર લોકોના મૃત્યુ થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. જૂનાગઢ જિલ્લામાં એક વર્ષમાં તાલુકા પ્રમાણે જન્મ-મરણના આંકડ તરફ નજર કરીએ તો 9 તાલુકામાંથી 8 તાલુકામાં જન્મ કરતાં મૃત્યુનું પ્રમાણ વધુ છે. કેશોદ તાલુકા અને જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જન્મનું પ્રમાણ વધારે છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 20810 બાળકોના જન્મ અને 12889 લોકોના મૃત્યુ થયા છે.
જન્મ અને મરણના ઇશ્યુ કરાતાં પ્રમાણપત્રમાં પાંચ ગણી ફી વધારી
તાજેતરમાં રાજ્ય સરકારે જન્મ અને મરણ નોંધણી ફીમાં ધરખમ વધારો કર્યો છે. જન્મ અને મરણ નોંધણીનો દાખલો સરકારી નોકરી ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ધ્યાને લેવાય છે. જન્મ અને મરણના ઇશ્યુ કરાતાં પ્રમાણપત્રમાં પાંચ ગણી ફી વધારી છે. અગાઉ મરણ નોંધણીની ફી પાંચ રૂપિયા હતી જે વધારી 20 રૂપિયા કરી છે. તે જ રીતે જન્મના દાખલા માટે અગાઉ 10 રૂપિયા હતા તેના બદલે હવે 50 રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચો: ગુજરાત : નારિયેળ તેલનો ભાવ વિક્રમી સપાટીએ, પ્રતિ ડબાના ભાવમાં જાણો કેટલો થયો વધારો