ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઓટોની આયાત પર 25 ટકા ટેરિફ લાદી, બજારનો કચ્ચરઘાણ

વોશિંગ્ટોન, 27 માર્ચ, 2025: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશથી આયાત થનારી કાર પર 25 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરીછે. આ પગલાંતી અમેરિકાના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તેવો ટ્રમ્પનો દાવો છે. જ્યારે વ્હાઇટ હાઉસને અર્થતંત્રની મૂડીમાં 100 અબજ ડોલરનો વધારો થવાની આશા છે.
ટ્રમ્પ માને છે કે અમેરિકામાં નવી ફેક્ટરીઓ ખુલશે. કેનેડા અને મેક્સિકોમાં બનેલા વિવિધ ઓટો પાર્ટ્સ અને ફિનિશ્ડ વાહનો હવે અમેરિકામાં પણ બનાવી શકાશે. ટ્રમ્પે કહ્યું છે કે તેમનો નિર્ણય અફર છે.
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ ટ્રમ્પના ટેરિફ લાદવાના નિર્ણયની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ અમારા પર સીધો હુમલો છે, અમે અમારા કામદારો અને કંપનીઓનું રક્ષણ કરીશું.
અમેરિકામાં કારના ભાવ વધી શકે છે
અહેવાલો અનુસાર, યુએસમાં નવી કારની સરેરાશ કિંમત પહેલાથી જ 49,000 ડોલરની આસપાસ છે. જો નવા ટેરિફ લાગુ કરવામાં આવે અને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે, તો તેઓ આયાતી કારની કિંમતમાં 12,500 ડોલર સુધીનો વધારો કરી શકે છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ ટેરિફ વાહન ઉત્પાદકો માટે ખર્ચમાં વધારો કરી શકે છે અને વેચાણમાં ઘટાડો લાવી શકે છે. અમેરિકન કાર કંપનીઓ તેમના ઘણા ઓટો પાર્ટ્સ અન્ય દેશોમાંથી આયાત કરે છે.
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને પણ અમેરિકાના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા કહ્યુ કે ટેરિફ વ્યવસાયો અને ગ્રાહકો માટે પણ ખરાબ છે.
ટ્રમ્પ 2 એપ્રિલથી બધા દેશો પર જેવા સાથે તેવા જેવો ટેરિફ લાદશે
ડોનાલ્ડ ટ્રમ્પ 2 એપ્રિલથી ભારત સહિત તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદશે. ટ્રમ્પે આ મહિને સંસદમાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારત અમારી પાસેથી 100%થી વધુ ટેરિફ વસૂલ કરે છે, અમે પણ આવતા મહિનાથી આવું જ કરવા જઈ રહ્યા છીએ.
ટ્રમ્પ માને છે કે અન્ય દેશો અમેરિકા કરતા ઘણા ઊંચા ટેરિફ લાદીને અમેરિકાને છેતરપિંડી કરી રહ્યા છે. અન્ય દેશોની જેમ આયાત કર લાદવાથી વાજબી વેપાર સુનિશ્ચિત થશે અને યુએસ સરકારની આવકમાં વધારો થશે.
જો અમેરિકા ભારત પર ટેરિફ વધારશે તો તેનાથી નુકસાન થશે. ભારત તેના 17 ટકા વધુ વિદેશી વેપાર અમેરિકા સાથે કરે છે. અમેરિકા ભારતના ફળો અને શાકભાજી જેવા કૃષિ ઉત્પાદનોનો સૌથી મોટો ખરીદદાર છે.
અમેરિકન કાર ઉત્પાદકોના શેર ઘટ્યા
ઓટો પરની આ આયાત 1 એપ્રિલથી લાગુ પડશે. અમેરિકી ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. ત્યારે જીપ અને ક્રિસલરની મૂળ કંપની સ્ટેલાંટિસના શેર પણ લગભર 3.6 ટકા જેટલા ઘટ્યા હતા.
આ પણ વાંચોઃ ભારત અને ચીન વચ્ચે સમસ્યા તો છે પરંતુ સંઘર્ષ વિના ઉકેલી શકાય છે