ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કુણાલ કામરાની મુશ્કેલીઓ વધી, ટી-સીરીઝે કોપીરાઈટ ભંગની નોટિસ ફટકારી

નવી દિલ્હી, 27 માર્ચ 2025: કોમેડિયન કુણાલ કામરાએ ફરી એક વાર વીડિયો જાહેર કરી સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 5 દિવસમાં કુણાલ કામરાનો આ ત્રીજો વીડિયો છે. 26 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલા વીડિયોમાં કુણાલ કામરાએ મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ પર ટાર્ગેટ કર્યો છે. આ અગાઉ 22 માર્ચના રોજ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને 25 માર્ચે મોદી સરકારના વિકાસ મોડલ પર કુણાલ કામરાએ અભદ્ર ટિપ્પણી કરી હતી.

કુણાલ કામરાનો વીડિયો સામે આવ્યા બાદ તેમના વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને લઈને મુંબઈ પોલીસ કુણાલ કામરાને બીજી નોટિસ પણ જાહેર કરી દીધી છે.

ટી-સીરીઝે કોપીરાઈટ નોટિસ મોકલી

અહીં ઉલ્લેખનિય છે કે, ટી-સીરીઝે નિર્મલા સીતારમણ પર કરવામાં આવેલી ટિપ્પણીમાં ઉપયોગમાં લેવાયેલા ફિલ્મ ગીત અંગે તેમને કોપીરાઈટ નોટિસ મોકલી છે. ત્યારબાદ કામરાએ ટી-સીરીઝ પર નિશાન સાધ્યું અને X પર લખ્યું, ‘હેલો ટી-સીરીઝ, કઠપૂતળી બનવાનું બંધ કરો. પેરોડી અને વ્યંગ કાયદેસર રીતે વાજબી ઉપયોગ હેઠળ આવે છે. મેં ગીતના શબ્દો કે મૂળ વાદ્યનો ઉપયોગ કર્યો નથી.

જો તમે આ વિડિઓ દૂર કરશો તો દરેક કવર ગીત/ડાન્સ વિડિઓ દૂર થઈ શકે છે. સર્જકો કૃપા કરીને આના પર ધ્યાન આપો. ભારતમાં દરેક ઈજારો માફિયાથી ઓછો નથી, તેથી કૃપા કરીને તેને દૂર કરવામાં આવે તે પહેલાં આ જુઓ/ડાઉનલોડ કરો. તમારી માહિતી માટે ટી-સીરીઝ, હું તમિલનાડુમાં રહું છું.

નોંધનીય છે કે, શિંદે પર ટિપ્પણી કરવાના મામલે કુણાલ પર પોલીસની પકડ સતત કડક થઈ રહી છે. બુધવારે, મુંબઈ પોલીસે કુણાલને બીજું સમન્સ મોકલ્યું કારણ કે તે અગાઉના સમન્સ પર હાજર થયો ન હતો. તેમના વકીલે 7 દિવસનો સમય માંગ્યો હતો પરંતુ પોલીસે કોઈ પણ સમય આપવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, કુણાલ કામરા વિરુદ્ધ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. હવે વિશેષાધિકાર સમિતિ આ આરોપની તપાસ કરશે અને કામરાને સમિતિ સમક્ષ હાજર થવું પડશે.

આ પણ વાંચો: બે અઠવાડીયા બાદ દેશની જનતાને મળશે મોટી ખુશખબર, લોનના હપ્તા ફરી એક વાર ઘટશે!

Back to top button