મારુતિ સુઝુકી નવા પ્લાન્ટની સ્થાપના માટે રૂ. 7400 કરોડ રોકશે


મુંબઇ, 27 માર્ચ, 2025: ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સૌથી મોટુ પગલું ભર્યુ છે. કંપનીએ હરિયાણાના ખરખૌદામાં ત્રીજા પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે, જેમાં વાર્ષિક ધોરણે 2.5 લાખથી વધુ ગાડીઓનું ઉત્પાદન કરાશે. આ વિસ્તરણથી કંપનીની કુલ ઉત્પાદન ક્ષમતા 2029 સુધીમાં વાર્ષિક 7.5 લાખ યુનિટ સુધી પહોંચી જશે.
રૂ. 7,410 કરોડનું મોટુ રોકાણ
મારુતિ સુઝુકીએ નવા પ્લાન્ટ માટે 7,410 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી દીધી છે. આ રોકાણ કંપનીના વધી રહેલા ઉત્પાદન અને ગ્રાહકોની વધતી માંગને પૂરી કરવાની રણનીતિનો હિસ્સો છે
2024માં બનાવ્યો રેકોર્ડ, 20 લાખ કારોનું ઉત્પાદન
મારુતિ સુઝુકીએ 2024માં પહેલી વાર એક કેલેન્ડર વર્ષમાં 20 લાખ કારનું ઉત્પાદન કરીને ઇતિહાસ રચ્યો હતો. આ ઉપલબ્ધ ફક્ત ભારતમાં જ નહી પરંતુ સુઝુકી મોટર કોર્પોરેશનની કોઇ પણ વૈશ્વિક ઉત્પાદન સવલત માટે એક મોટી સફળતા છે.
હરિયાણા અને ગુજરાતના પ્લાન્ટની ભૂમિકા
2024માં ઉત્પાદિત 20 લાખ કારમાંથી આશરે 60 ટકા ઉત્પાદન હરિયાણાના પ્લાન્ટમાં કરવામાં આવ્યુ હતું, જ્યારે ગુજરાતમાં 40 ટકા ઉત્પાદન કરાયું હતું. ખાસ વાત એ રહી કે 20 લાખમી કાર અર્ટિગા હતી જે હરિયાણાના માનેસર પ્લાન્ટમાંથી નીકળી હતી.
નવો ગ્રીનફિલ્ડ પ્લાન્ટ પણ થશે તૈયાર
મારુતિ સુઝુકી ફક્ત ખરખૌદા પ્લાન્ટ સુધી સીમિત નથી, પરંતુ કંપની 10 લાખ યુનિટના વાર્ષિક ઉત્પાદન ક્ષમતાવાળા નવા ગ્રીનફિલ્ડ પ્લાન્ટની પણ યોજના બનાવી રહી છે. તેના માટે યોગ્ય સ્થાનની તપાસ જારી છે. મારુતિ સુઝુકીનું આ વિસ્તરણ ભારતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે તેના વધી રહેલા પ્રભાવને દર્શાવે છે. નવા પ્લાન્ટની સાથે કંપની ગ્રાહકોની વધી રહેલી માંગને પૂરી કરવા માટે પણ સજ્જ છે.