IPL 2025ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

ઈશાન કિશને આઈપીએલ 2025ની ફટકારી પ્રથમ સદી, રાજસ્થાનના બોલરોની નિર્દયતાથી કરી ધોલાઈ

Text To Speech

હૈદરાબાદ, તા. 23 માર્ચ, 2025: IPL 2025નો બીજો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 286 રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો.

આ મેચમાં આઈપીએલ 2025ની પ્રથમ સદી નોંધાઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના ઇશાન કિશન દ્વારા આ કારનામું કરવામાં આવ્યું હતું. રવિવારે તેણે રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારી હતી. ઈશાન કિશને 47 બોલમાં અણનમ 106 રન બનાવ્યા હતા. તેણે 11 ચોગ્ગા અને છ તોતિંગ છગ્ગા ફટકાર્યા હતા. ટ્રેવિડ હેડે 31 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાથી 67 રન બનાવ્યા હતા.

હૈદરાબાદ માટે આ ઇશાનની ડેબ્યૂ મેચ છે અને આ ડાબા હાથના બેટ્સમેને તેની પહેલી જ મેચમાં તબાહી મચાવી દીધી હતી. તેણે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ આઈપીએલમાં ઈશાનની પહેલી સદી પણ છે. આ પહેલા, તેમનો સર્વોચ્ચ સ્કોર 99 રન હતો જે તેમણે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે બનાવ્યો હતો.

અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહેલા ઈશાનને આ વખતે ફ્રેન્ચાઇઝીએ રિટેન કર્યો ન હતો અને પછી હરાજીમાં પણ તેનામાં કોઈ રસ દાખવવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં, સનરાઇઝર્સે તેના પર જુગાર રમ્યો અને પહેલી જ મેચમાં તેની ક્ષમતા બતાવી હતી.

છેલ્લા કેટલાક મહિનાઓથી ઈશાન કિશનનો સમય સારો નથી ચાલી રહ્યો. વર્ષ 2024 ની શરૂઆતમાં, તેમણે BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને ઘરેલું ક્રિકેટને મહત્ત્વ આપવાના BCCIના નિર્ણયની અવગણના કરી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે.


આ પણ વાંચોઃ IPL 2025: શાહરૂખ અને કોહલીએ ઝુમે જો પઠાણ પર કર્યો ડાંસ, જુઓ વીડિયો

Back to top button