પાલનપુર વિદ્યામંદિરમાં 756 વિધાર્થીઓએ અનોખી રીતે ધ્વજ આકૃતિ રચી
પાલનપુર : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગષ્ટની ઠેર-ઠેર ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. દેશની આન, બાન અને શાનના પ્રતિક સમા તિરંગા રાષ્ટ્રધ્વજને ફરકાવી લોકોએ સલામી આપી હતી. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.
જાહેર સંસ્થાઓ, શાળા ,કોલેજો,ખાનગી સંસ્થાનો એમ દરેક સ્થળે 15 ઓગષ્ટની શાનદાર ઉજવણી જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને પગલે 13 થી 15 ઓગષ્ટ દરમ્યાન નાગરિકોએ પોતાના ઘર,વ્યવસાયના સ્થળે તિરંગો ફરકાવી હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવ્યું છે.આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણીમાં લોકો ભિન્ન ભિન્ન પ્રકારે પોતાની દેશભક્તિની ભાવના અને દેશપ્રેમને પ્રદર્શિત કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામા પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી
જિલ્લામાં હર-ઘર તિરંગા અભિયાનને પણ અદભુત પ્રતિસાદ મળ્યો અને જિલ્લા વાસીઓએ વિવિધ પ્રકારે પોતાની દેશભાવના અને તિરંગા પ્રત્યેના પોતાના સન્માનને વ્યક્ત કરતા ભવ્ય ઉજવણી કરી આ અભિયાનને સફળ બનાવ્યું છે.ત્યારે વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર સંચાલિત શાળાઓના 756 વિદ્યાર્થીઓ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત 24×16 મીટરના ધ્વજની આકૃતિ રચવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરી પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. 5500 વિદ્યાર્થીઓ દ્વારા તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન અલગ અલગ રીતે કાર્યક્રમો યોજી ઉમંગ અને ઉત્સાહપૂર્વક ભારતની આઝાદીના ૭૫ વર્ષની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય, શાળાના કર્મચારીઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાઈ શાળા પરિસરમાં દેશભક્તિની ભાવના સાથે પંદરમી ઓગષ્ટની ઉજવણીમાં સામેલ થયા હતા. .