Karnataka Bandh: આજે કર્ણાટક બંધનું એલાન, જાણો શું બંધ રહેશે શું ખુલ્લું

બેલગાવી, 22 માર્ચ 2025: કર્ણાટકના બેલગાવીમાં એક બસ કંડક્ટર પર કથિત હુમલાના વિરોધમાં કેટલાય કન્નડ સમર્થક ગ્રુપ આજે 22 માર્ચના રોજ કર્ણાટક બંધનું આહ્વાન કર્યું છે. આ બંધ સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આયોજીત કર્યું છે. જો કે, આ બંધનું કર્ણાટક સરકાર સમર્થન નહીં કરી રહી.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ગુરુવારે કહ્યું હતું કે સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકાર બંધને સમર્થન આપશે નહીં. તેમણે કહ્યું, ‘અમે તેમને (સંસ્થાઓને) સમજાવીશું કે આ યોગ્ય પગલું નથી કારણ કે તે એવા વિદ્યાર્થીઓને અસર કરશે, જેમની પરીક્ષાઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.’
કર્ણાટક બંધના એલાન બાદ, બેલગામ અને રાજ્યના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત થવાની ધારણા છે. મુસાફરો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ચેતવણી આપવામાં આવી છે કે બંધ તેમના સામાન્ય દિનચર્યામાં વિક્ષેપ પાડી શકે છે. અહીં ઉલ્લેખનિય છે કે, કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) ના કંડક્ટર પર મરાઠી ન બોલવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બે ભાષાઓ પર વિવાદ વધ્યો અને બંને રાજ્યો વચ્ચે બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી.
શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?
બસ સેવાઓ: કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ (KSRTC) અને બેંગ્લોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ નિગમ (BMTC) ના યુનિયનો બંધને સમર્થન આપે છે, જેના કારણે રાજ્યભરમાં બસ સેવાઓ પર અસર પડી શકે છે.
ઓલા-ઉબેર સેવા: ઓલા, ઉબેર જેવી થર્ડ પાર્ટી ટ્રાંસપોર્ટ સેવાઓ અને કેટલાક રિક્ષા યુનિયનો પણ બંધને ટેકો આપ્યો છે, જેના કારણે રાજ્યમાં પરિવહન ખોરવાઈ જશે. જોકે, મેટ્રો, રેલ્વે અને એરપોર્ટ સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે.
બેંકો: શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે. કેટલીક શાળાઓ અને કોલેજોમાં આજે રજા હોઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રેસ્ટોરન્ટ્સ-સિનેમાઘરો: કન્નડ સમર્થક સંગઠનો દ્વારા સંપર્ક કરવામાં આવ્યા બાદ રેસ્ટોરન્ટ્સ અને સિનેમાઘરો સહિત અન્ય વ્યવસાયોએ બંધને પ્રતીકાત્મક સમર્થન આપ્યું છે. જોકે, તેઓ કાર્યરત રહે તેવી અપેક્ષા છે.
સરકારી કચેરીઓ: કર્ણાટક બંધ પછી પણ સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે અને આરોગ્યસંભાળ અથવા અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડતી બધી જગ્યાઓ પણ કાર્યરત રહેશે.
આ પણ વાંચો: શનિ મીન રાશિમાં જશે તો મેષ પર શરૂ થશે સાડાસાતી, જાણો અસર