ભ્રષ્ટાચારનો ભોરિંગ ક્યારે અટકશે? ગાંધીનગરમાંથી RTO ઈન્સ્પેક્ટર, નખત્રાણામાં મહિલા તલાટી મંત્રી ACBની ઝપટે ચડ્યા

અમદાવાદ, તા. 21 માર્ચ, 2025: ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક લાંચીયા લોકો એસીના છટકામાં સપડાઈ રહ્યા છે. ભુજના નખત્રાણા તાલુકાના દેશલપુર (ગુંતલી) ગ્રામ પંચાયતના મહિલા તલાટી સહ મંત્રી રૂપિયા 2000ની લાંચ લેતા ઝડપાયા હતા. ગાંધીનગરમાંથી આરટીઓ ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા હતા.
ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારો પાસેથી એનકેન પ્રકારે બહાના કાઢી ઓનલાઈન કામગીરી અર્થે આર.ટી.ઓ કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા રૂ.૧૦૦ થી રૂ.૧૦૦૦ સુધીની માંગણી કરવામાં આવે છે. જે આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીકોયર એજન્ટની કામગીરી કરતા હોય તેમના અસીલોના બે કોમર્શિયલ વાહનોનો આજીવન ટેક્સ ભરવા માટે આર.ટી.ઓ કચેરી ખાતે ઓનલાઈન કામગીરી માટે આરટીઓ ઈન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જામસિંહ પરમારને મળતા તેમણે દિપેનભાઈ ઉર્ફે ચિન્ટુ જીતેન્દ્રભાઇ રામીને મળવાનું કહ્યું હતું. ડીકોયર દિપેનભાઈ ઉર્ફે ચિન્ટુ જીતેન્દ્રભાઇ રામીને મળતાં તેઓએ કરેક્શન ફોર્મમાં સહી કરી હતી અને આરટીઓ ઈન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જામસિંહ પરમાર પાસે મોકલ્યા હતા. આરટીઓ ઈન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જામસિંહ પરમારે પણ કરેક્શન ફોર્મમાં સહી કરી હતી અને દિપેનભાઈ રામીએ આ કામ પેટે રૂપિયા ૧000 ની માંગણી કરી હતી. જે સ્વીકારતા બન્ને આરોપીઓ સ્થળ ઉપર પકડાયા હતા.
એ.સી.બી.ના ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલી ફરિયાદના આધારે દેશલપર (ગુંતલી) ગ્રામ પંચાયત, નખત્રણા, જિ.કચ્છ-ભુજ ખાતે તલાટી સહમંત્રી તરીકે ફરજ બજાવતા ચંદ્રીકાબેન ડો/ઓ મગનભાઈ અરજણભાઈ ગરોડા રૂા.૨,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat #ACBGujarat…
— ACB Gujarat (@ACBGujarat) March 21, 2025
તલાટી મંત્રી ફોનમાં મેસેજ કરીને લાંચ માંગી
ભુજના નખત્રાણા તાલુકામાં ફરીયાદીને દેશલપર (ગુતલી) ગામના સર્વે નંબર-૬૦૭ની જમીન સરકાર હસ્તક છે તેમાં રેસ્ટોરન્ટ બનાવવા માટે ૫૨૫ ચોરસ મીટર સરકારી પડતર જમીનની માંગણી કરી હતી. જે જમીન ગૈાચરની નથી તે અંગેનો ગ્રામ પંચાયતનો દાખલો અને ગ્રામ પંચાયતનો ઠરાવ આપવાના અવેજપેટે તેમની પાસેથી તેના મોબાઇલ ફોનમાં મેસેજથી રૂા.૨,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ તેઓ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. લાંચના છટકા દરમિયાન ચંદ્રીકાબેન મગનભાઈ ગરોડા ફરજના સ્થળે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૨,૦૦૦ લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા.
ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝે મૂકી હોય તેમ એક બાદ એક લાંચીયા બાબુઓ ઝડપાઈ રહ્યા છે. ગુરુવારે સુરતમાંથી રાજ્યવેરા અધિકારી અને ગાંધીનગરની મગોડી ગ્રામ પંચાયત કચેરીનો વી.સી.ઈ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા. તાજેતરમાં મહીસાગરના કડાણા તાલુકામાં સરપંચ દિકરી વતી લાંચ માંગતો બાપ એસીબીના છટકામાં સપડાયો હતો. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપાયો હતો.
આ પણ વાંચોઃ એસીબીનો સપાટોઃ રાજ્યવેરા અધિકારી અને વી.સી.ઈને લીધા સાણસામાં