સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આજે 76 માં સ્વતંત્રતા દિવસના અવસર પર સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. જ્યાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખૂબ જ ધામધુમથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખો, મેનેજિંગ કમિટીના સભ્યો તેમજ સ્ટાફ કર્મચારીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા SGCCIના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલા હર ઘર તિરંગા અભિયાનને પગલે આખો દેશ તિરંગામય થઇ ગયો છે. ત્રણ દિવસ માટે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની જે મંજૂરી દેશભરમાં આપવામાં આવી એના માટે વડાપ્રધાનનો આભાર માનીએ. થોડાક મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેબ કોન્ફરન્સ થકી દેશની તમામ ચેમ્બર ઓફ કોમર્સ, નિર્યાતકારો અને ઉદ્યોગકારોને સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાને દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના અમૃત મહોત્સવ નિમિત્તે નવા 75 જેટલા દેશોમાં ભારતની વિવિધ પ્રોડકટને એકસપોર્ટ કરવાની હાંકલ કરી હતી.
આ દિશામાં જ SGCCI આગળ વધતાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ દ્વારા ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને 250 મિલિયન યુએસ ડોલર એકસપોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગત વર્ષે દુબઇ તથા યુએસએ ખાતે એકઝીબીશન યોજાયું હતું. આ વર્ષે પણ બાંગ્લાદેશ, દુબઇ અને યુએસએ ખાતે એકઝીબીશન યોજાનાર છે. જેને કારણે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો સીધા જ અન્ય દેશોના બાયર્સના સંપર્કમાં આવશે અને ભારતથી ટેકસટાઇલનું એકસપોર્ટ વધશે. તેમણે બધાને એકબીજાને સાથ સહકાર આપીને સાથે આગળ વધવા માટે હાંકલ કરી હતી.
આ પણ વાંચો : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળી ધમકી, પરિવારને જાનથી મારી નાખવાની આપી ધમકી
ધ્વજવંદન સમારોહનું સમગ્ર સંચાલન ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે કર્યું હતું. સમારોહને અંતે ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું.