ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે, ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો મોટો આરોપ

  • વરાછાના MLAએ મુખ્યમંત્રી અને સુરત સીપીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી

સુરત, 19 માર્ચ : સુરતના વરાછાના ભારતીય જનતા પાર્ટીના MLA કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ આજે ફૂટ્યો છે. ધારાસભ્યએ સરથાણા પોલીસ ઉપર તોડ કરવાનો આક્ષેપ લગાવી સુરત પોલીસ કમિશનર અને CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જાણ કરી છે અને પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી છે.  જેના પગલે ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, સુરતના MLA કિશોર કુમાર કાનાણીએ CM ભુપેન્દ્ર પટેલ અને સુરત પોલીસ કમિશનરને પત્ર લખી જણાવ્યું હતું કે સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા મૌખિક સુચનાને આધારે  11 જાન્યુઆરી 2025ના રોજ બપોરે આશરે 3.30 કલાકે લાઇસન્સ વગરનું હાર્પિક કંપનીનું ડુપ્લિકેટ લિક્વિડ પકડવા માટે રેડ કરવામાં આવેલ હતી. આ રેડમાં અંદાજે 8 થી 10 પોલીસકર્મીઓ હતા. આ પોલીસકર્મીઓએ હાર્પિક કંપનીના પ્રતિનિધિ વિનોદ ભાઈ સુમરા સાથે મળી આરના એન્ટરપ્રાઈઝ ઉપર દરોડો પાડ્યો હતો.

આ દરોડામાં પોલીસકર્મીઓ તથા કંપનીના પ્રતિનિધિએ ભેગા મળી આરના એન્ટરપ્રાઈઝના માલિકો પાસેથી રૂ. 8 લાખ ગોડાઉનમાં હાજર પૂરો માલ FIRમાં ન દર્શાવવા માંગ્યા હતા. ગોડાઉનમાં માલ 20 લાખ કરતા પણ વધારે હતો. આમ છતાં ફક્ત રૂ.3,31,200નો બતાવી બાકીનો માલ આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનથી એન્યમ સર્કલ, રીંગરોડ પાસેના ક્રિટલ ફાર્મમાં પોલીસની મદદગારીથી 5 આઈસર ભરીને સગેવગે કરવામાં પોલીસકર્મીઓ સામેલ હતા.

દરોડો પડ્યો ત્યારે આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં હાજર તમામ માલિક તેમજ કર્મીઓના મોબાઈલ ગેરકાયદે રીતે જપ્ત લેવામાં આવ્યા હતા. જેથી કોઈ પુરાવા મળે નહિ અને લીધેલા રૂ. 8 લાખની રકમ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહે આરના એન્ટરપ્રાઈઝના માલિકની સ્કોડા ગાડીમાં લઈને સરવાણા પોલીસ સ્ટેશન અંદાજે સાંજે 5.00 વાગ્યાના સુમારે જતો રહ્યો હતો.

વધુમાં તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, આરના એન્ટરપ્રાઈઝના કુલ 3 માલિક છે. તો ફરિયાદમાં ફક્ત એક માલિક જ કેમ દર્શાવવામાં આવ્યું.? બાકીના બે માલિકના નામ અર્પિત અને હિરેન ગોળવિયા છે. આ દરોડામાં પોલીસકર્મી દ્વારા કરેલા ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડાઓ જેવું છે અને આ બાબતે ઇન્ચાર્જ પી.આઈ. કે.એ.ચાવડાની સુચનાથી આ રેડ પાડી હતી. આ અંગે ફરિયાદ કરવા 12 જાન્યુઆરી 2025એ વકીલ હરકિશનભાઈ જયાણી સમાજના 200 જેટલા આગેવાનો ગયા હતા. તો તેમણે ફરિયાદ લેવાની ના પાડી હતી.

બાદમાં તા. 13 જાન્યુઆરી 2025 ના રોજ સરથાણા PI એમ.બી.ઝાલાને પણ સ્પષ્ટ શબ્દોમાં ઉપરોકત વર્ણવેલી ઘટના કહી હતી. પરંતુ તેમણે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે હું રેડ પડી ત્યારે રજા પર હતી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે સરથાણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓ આમાં સામેલ છે. અને આ રેડમાં તોડ થયો તે બધા જણતા હોવા છતાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

આથી ઉપરોક્ત ઘટનાની તલસ્પર્શી તપાસ થાય અને આરના એન્ટરપ્રાઈઝના માલિકોને દબાવવામાં ન આવે તો તમામ આક્ષેપો સબુત સાથે પુરવાર થઇ શકે તેમ છે. આથી તાત્કાલિક ધોરણે આ તોડબાજીમાં સામેલ પોલીસકર્મીઓ સિવાયના પોલીસ અધિકારી દ્વારા સચોટ તપાસ થાય તેવી મારી માંગણી છે.

આ પણ વાંચો :- DGP વિકાસ સહાયના 100 કલાકના અલ્ટીમેટમ બાદ રાજ્યના ગુનેગારોની યાદી તૈયાર

Back to top button